Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મહેમદાવાદમાં ત્રણ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મતાની ઉઠાંતરી કરી

મહેમદાવાદ: શહેરમાં બંધ મકાનોમાં ચોરી કરવા માટે તસ્કરો સક્રિય બન્યાં છે. ખાસ કરીને વેકેશનમાં ફરવા જતાં લોકોના મકાનને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તો વળી ગરમીથી બચવા અગાસી ઉપર સુતા લોકોના મકાનોને તસ્કરો તોડી રહ્યાં છે. ગતરાત્રિના આવા ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હોવાનું જાણવા મળે છે. જો કે હજી સુધી આ બાબતે કોઈ ફરીયાદ નોંધાઈ નથી. 

મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં આવેલ આશુતોષ સોસાયટીમાં બંગલા નં ૫૫ માં ભાડેથી રહેતાં ચેતનભાઈ પટેલ શિક્ષક તરીકે નોકરી કરે છે. શાળાનું વેકેશન પડતાં તે પોતાનું મકાન બંધ કરી પોતાના વતન પ્રાંતિજ ગયાં હતાં. આ દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાં પ્રવેશી સવા તોલાની સોનાની ચેઈન, એક વીંટી તેમજ પાંચથી સાત હજાર રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં છે. તેમજ આ જ સોસાયટીમાં બંગલા નં ૩૮ માં રહેતાં પરષોત્તમદાસ નટવરલાલ દરજીના મકાનમાં તસ્કરો ત્રાટકી તસ્કરી કરી હતી. 

(5:41 pm IST)