Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

માતર તાલુકામાં મૃત કાકાનું ખોટું પેઢીનામું દર્શાવી જમીન હડપવાનો પ્રયાસ કરતા 5 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

માતર:તાલુકાના સીંજીવાડામાં મરણ પામનાર કાકાને પિતા તરીકે દર્શાવી ખોટુ પેઢીનામુ બનાવી કાકાએ વેચી દીધેલી જમીનમાં ખોટી વારસાઈ કરાવી જમીન નામે કરી લીધી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જમીન રાખનાર ખેડૂતને આની જાણ થતાં તેમણે લીંબાસી પોલીસમાં મહિલા સહિત પાંચ સામે ફરીયાદ આપી હોવાનું જાણવા મળે છે. 

મળતી માહિતી મુજબ માતર તાલુકાના સીંજીવાડામાં શકરાભાઈ બકોરભાઈ રાઠોડ અને ચુનીભાઈ બકોરભાઈ રાઠોડ રહેતાં હતાં. આ બંનેના નામે સીમમાં ખેતીલાયક જમીન આવેલી હતી. શકરાભાઈ બકોરભાઈ રાઠોડના ભાગે આવેલ ખાતા નં ૬૦૩ બ્લોક સર્વે નં ૯૩૩/અ અને ૯૩૩/બ વાળી ૨૮ ગુુંઠા જમીન શકરાભાઈ જીવતા હતાં તે વખતે તા.૧૧-૬-૧૦ ના રોજ તેમણે ગામમાં રહેતાં મનુભાઈ ભગાભાઈ રાઠોડને વેચાણ દસ્તાવેજથી વેચી હતી. જો કે કોઈ કારણસર મનુભાઈ રાઠોડે વેચાણ દસ્તાવેજ કર્યાં બાદ તેમનું નામ રેવન્યુ રેકોર્ડ પર ચઢાવવા આળસ દાખવી હતી. જેનો લાભ શકરાભાઈના ભાઈ ચુનીભાઈ બકોરભાઈ રાઠોડની પત્ની તેમજ પુત્રોએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી લઈ લીધો હોવાનું બહાર આવ્યું છે. 

(5:38 pm IST)