Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

એસબીઆઇ ક્રેડીટ ડિપાર્ટમેન્ટના નામે છેતરપીંડી કરતી દિલ્હીની ગેંગનો પર્દાફાશ

ઓનલાઇન નોકરી આપવાના બ્હાને યુવા-યુવતીઓને ફસાવતી ગેંગ પણ દિલ્હીની જ નિકળીઃ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટીમને દેશભરમાં છેતરપીંડી કરતા આરોપીઓને દિલ્હીથી ઝડપી લીધીઃ બે મોટી સફળતા સાંપડી

રાજકોટ, તા., ૧૦: એસબીઆઇ  ક્રેડીટ કાર્ડ વિભાગના નામે તમારૂ ક્રેડીટ કાર્ડ અપગ્રેડ કરવાનું છે તેવા બ્હાના હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ફ્રોડ કરનાર દિલ્હીની એક સુવ્યવસ્થિત ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી ર૬ લોકોની અટક કર્યાનું સુત્રો જણાવે છે. અમદાવાદના પિનાકીન જગદીશચંદ્ર અમીન નામના રેડીમેઇડ ગારમેન્ટના વેપારી સાથે થયેલી છેતરપીંડીની તપાસ દરમિયાન આખુ કાવત્રુ  ખુલવા પામેલ છે.

પિનાકીન અમીનની ફરીયાદ આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશ્નર જે.આર.મોથલીયા, સાયબર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્રર ડો.રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે.એમ.યાદવના માર્ગદર્શનમાં સાયબર ક્રાઇમના પીઆઇ વી.બી.બારડ તથા તેમની ટીમે ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપીને નવી દિલ્હીના મોહન ગાર્ડન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે જેમને ઝડપ્યા છે તેમાં સંદીપસિંહ, મૂળ ઓરીસ્સાના ચંદનકુમાર, રવીકુમાર તથા સુષ્મા, નેહા, સોનીયા, મુસ્કાન જેવી યુવતીઓનો સમાવેશ છે. આ યુવતીઓ જ એસબીઆઇ ક્રેડીટ વિભાગના નામે ફોન કરતી હોવાનું સુત્રો જણાવે છે.

આરોપીઓ દ્વારા ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન વિ. સ્થળે કોલ થયાનું ખુલ્યું છે. આરોપીઓ પાસેથી સીપીયુ, ૬પ મોબાઇલ, વિવિધ ફાઇલો મુદામાલ તરીકે કબ્જે કરેલ છે. મુખ્ય આરોપી દિપક મેમગન, મોહીતકુમાર, શહનશા આલમ હોવાનું બહાર આવ્યું છે. પોતાની ટોળકીમાં કોલર તરીકે કામ કરતી યુવતીઓને મોબાઇલ ડેટા, સીમકાર્ડ, વોલેટ અને ૧૦ હજાર પગાર ઉપરાંત બેથીત્રણ હજાર સારી કામગીરી માટે અપાતા. આરોપીઓ આ રીતે દર માસે લાખો રૂપીયાનું કલેકશન  છેતરપીંડીથી મેળવી લેતા.

આજ રીતે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરે ઓનલાઇન નોકરી ઇચ્છુક યુવા-યુવતીઓને વિશ્વાસમાં લઇ બનાવટી જોઇન્ટ લેટર મોકલી છેતરપીંડી કરનાર ગેંગનો પણ દિલ્હી જઇ પર્દાફાશ કરવામાં આવ્યો છે. નીતીન, અર્જુન, મદનપાલ સીંગ સહીતના આરોપીઓની અટક કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ગુજરાત, આંધ્રપ્રદેશ, એમપી, છતીસગઢ, અને રાજસ્થાનમાં ગુન્હાઓ આચરવામાં આવ્યાનું ખુલ્યું છે. ઉકત આરોપીઓ પાસેથી બે લેપટોપ, ૧૦ મોબાઇલ, વાઇફાઇ રાઉટર, વિઝાકાર્ડ વિગેરે દસ્તાવેજો કબ્જે કરેલ છે.  મધ્યપ્રદેશના મનીષ ઉર્ફે મોનુ તથા રૂષભ  ઉર્ફ બંટી (મધ્યપ્રદેશ)ને વોન્ટેડ જાહેર કરાયા છે.

(12:05 pm IST)
  • આમ્રપાલી પ્રોજેક્ટ મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી :નોઈડા અને ગ્રેનો ઓથોરિટીએ રકમનું વિવરણ આપવું પડશે :પાછલી સુનાવણીમાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આમ્રપાલી ગ્રુપની તમામ 15 મુખ્ય આવાસ પ્રોજેક્ટનો માલિકી હકક નોઈડા અને ગ્રેટર નોઈડા ઓથોરિટીને સોંપવો જોઈએ :કારણ કે આમ્રપાલીએ 42 હજાર હોમ બાયર્સ પ્રત્યે જવાબદારી નિભાવી નથી access_time 1:17 am IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST