Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સૌરાષ્ટ્ર - ઉ.ગુજરાત - કચ્છમાં માવઠુ - વાવાઝોડાની દહેશત

પાકિસ્તાનમાં ઉભા થયેલા સર્કયુલેશનને કારણે ત્રણ દિવસ રહેશે હવામાનમાં પલ્ટોઃ ખેડૂતો - વેપારીઓમાં ચિંતાનું મોજુ : શુભ પ્રસંગો છે તે પરિવારો પણ ચિંતિત : સાવધાન રહેવા હવામાન ખાતાની સલાહ

અમદાવાદ તા. ૧૦ : પાકિસ્તાનમાં ઉભા થયેલા સકર્યુલેશનને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, પોરબંદર, કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડાના સંજોગો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી રવિવાર સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો, વેપારીઓની સાથે જેમના ત્યાં લગ્ન સહિત શુભ પ્રસંગો આયોજીત કરવામાં આવ્યા છે તેવા પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગઇકાલે સવારે આકાશમાં વાદળો જોવા મળ્યાં હતાં. પરંતુ બપોર બાદ વિખેરાઈ ગયા હતાં. વાદળોના કારણે તાપમાનનો પારો ૧થી ૨ ડિગ્રી નીચે ઉતર્યો છે પરંતુ બફારાના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોર દરમિયાન વિજળી ડૂલ થતાં પ્રજા ત્રસ્ત જોવા મળી હતી.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ઉભા થયેલા સકર્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી માવઠું અને વાવાઝોડાની દહેશત ઉભી થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં શનિ-રવિવારે વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલ્ટાને લઈને મોડાસા માર્કેટયાર્ડે ખેડૂતોને માલ-મીલકતની તકેદારી રાખવા સલાહ આપી છે અને આ અંગે સરકયુલેશન બહાર પાડી ખેડૂતોને મોકલવામાં આવ્યો છે.

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં શુક્રવાર અને શનિવારે હળવા વરસાદની આગાહીના પગલે શહેરમાં હળવા પવનો ફૂંકાવાની શકયતા વચ્ચે અમદાવાદીઓને ગરમીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે અને શનિવારે બનાસકાંઠા, સાંબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વીજળીના ચમકારા સાથે વાવાઝોડું અને ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના પ્રાદેશિક ડિરેકટર જયંત સરકારે જણાવ્યું કે, રાજસ્થાન અને નોર્થ ગુજરાત વિસ્તારમાં દરિયાઈ સપાટીથી ૨.૧-૩.૧ કિમી ઉપર અપર એર-સાયકલોન સકર્યુલેશન સર્જાવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં કદાચ વરસાદ ન પડે પરંતુ વાતાવરણ ઠંડું રહી શકે છે. સોમવાર સુધીમાં વાતાવરણ નોર્મલ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે શહેરમાં ૩૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે એવરેજ તાપમાનથી ૧.૬ ડિગ્રી ઓછું હતું. જયારે લઘુતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી હતું જે એવરેજથી ૦.૭ ડિગ્રી ઓછું હતું. ગુજરાતના હવામાન ખાતાના સ્ટેશનોમાં એકપણ સ્ટેશનમાં ૩૯.૮ ડિગ્રીથી વધારે તાપમાન નહોતું નોંધાયું. સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ૩૧થી ૩૭ ડિગ્રી વચ્ચે રહ્યું હતું.

(11:47 am IST)