Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બાળકોનો રમતગમતની સાથે સાહજિક ઉછેર ખૂબ અનિવાર્ય

મોબાઇલ યુગમાં બાળકોનો ઉછેર જોખમાયો છેઃ બાળકોમાં ખુશીઓ, નવો જોમ-જુસ્સો જગાવવા લવિંગ ફોર ટ્રાન્સફોર્મેશન સંસ્થા દ્વારા કિડ્સ કેમ્પનું આયોજન

અમદાવાદ,તા. ૧૦, આજના મોબાઇલ,ગેમીંગ-ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના જમાનામાં બાળકો બાળપણથી જાણે-અજાણે માનસિક તણાવ, અસ્વસ્થતા, હતાશા, ભય, ગુસ્સા અને બેચેની જેવી સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે ત્યારે સમાજમાં અને ખાસ કરીને વાલીઓમાં આ બાબતની જાગૃતિ ફેલાય અને બાળકોને રમત-ગમતમાં, ખેલતા-કૂદતાં અને સાહજિક ભાવે આ તમામ સમસ્યાઓમાંથી બહાર લાવી તેઓનો કુદરતી, સંસ્કૃતિસભર અને સંસ્કારભર્યાે ઉછેર અનિવાર્ય બની ગયો છે. નાના માસૂમ બાળકોને માનસિક તાણ, હતાશા અને ભય-ગુસ્સાના વાતાવરણમાંથી બહાર લાવી મોબાઇલ-ટીવીથી દૂર મુકતમને કુદરતી અને સાહજિક રીતે તેમનામાં ખુશીઓ, આત્મવિશ્વાસ અને નવા જોમ-જુસ્સાને જગાવવાના ઉમદા આશય સાથે શહેરના લવિંગ ફોર ટ્રાન્સફોર્મેશન સંસ્થા દ્વારા તા.૧૫થી ૧૯ મે દરમ્યાન પાંચ દિવસના એક અનોખા વે ઓફ ધ હાર્ટ ફોર કિડ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કિડ્સ કેમ્પમાં ગરીબ અને જરૂરિયામંદ બાળકોને પણ સામેલ કરી સંસ્થાની સામાજિક જવાબદારીનો પ્રયાસ થશે. છેલ્લા દિવસે બાળકોના વાલીઓ સાથે એક લાગણીસભર અને આત્મમંથન અંગેની બેઠક પણ યોજવામાં આવશે એમ અત્રે લવિંગ ફોર ટ્રાન્સફોર્મેશનના ફાઉન્ડર ડો.રોનક ગાંધી અને રિશ્મા પાલકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો સમાજની સુંદરતા અને આપણું ભવિષ્ય છે પરંતુ આજના સ્પર્ધાત્મક અને આધુનિક ઉપકરણોના યુગમાં પુખ્યવયના લોકોની સાથે સાથે હવે નાના બાળકો પણ જાણે-અજાણે માનસિક તણાવ, અસ્વસ્થતા, હતાશા, ભય, ગુસ્સા અને બેચેની જેવી સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. માતા-પિતા પણ તેમના સંતાનોની આવી સમસ્યાઓથી ગેરમાર્ગે દોરાઇ અથવા તો ચિંતામાં દવાઓ અને અન્ય વિકલ્પોના રવાડે ચડી જતા હોય છે, જેની બાળકો પર માનસિકની સાથે સાથે ઘણીવાર શારીરિક આડઅસરો પણ થતી હોય છે. જેની વાલીઓને ખબર પણ પડતી નથી. આ સંજોગોમાં આવા કુમળા માનસ ધરાવતા બાળકોને બિલકુલ પવિત્રતાભર્યા અને કુદરતી વાતાવરણમાં આપણી પુરાતન સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારો સાથે એકિટવ અને પેસિવ મેડિટેશન, સોશ્યલ મેડિટેશન, લવિંગ યોગા, પેઇન્ટીંગ, ક્રિએટીવિટી, માર્શલ આર્ટ્સ, ડાન્સ, ખેલકૂદ જેવી મનોરંજન અને રમતગમતભરી પ્રવૃત્તિઓની સાથે સાથે તેમનું આખુ વ્યકિતત્વ બદલવાના અનોખા પ્રયાસના ભાગરૂપે તા.૧૫થી ૧૯ મે દરમ્યાન પાંચ દિવસના એક અનોખા વે ઓફ ધ હાર્ટ ફોર કિડ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નવજીવન પ્રેસ સામે સ્થિત લવિંગ ફોર ટ્રાન્સફોર્મેશન સંસ્થા ખાતે જ આયોજિત આ કિડ્ઝ કેમ્પમાં બાળકોના ભાગ લેવા માટે પાંચ દિવસની માત્ર રૂ.૧૨૦૦ જેટલી ટોકન ફી રખાઇ છે. આ કેમ્પમાં સમાજના કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પણ સામેલ કરી તેઓને પણ એક અનોખી તક પૂરી પાડવામાં આવશે. લવિંગ ફોર ટ્રાન્સફોર્મેશનના ફાઉન્ડર ડો.રોનક ગાંધી અને કો-ઓર્ડિનેટર રિંકલ સોનીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કિડ્સ કેમ્પમાં પાંચથી બાર વર્ષની વયના બાળકો ભાગ લઇ શકશે, તેમને પાંચ દિવસમાં એક નવા અને મુકત જીવનનો અહેસાસ કરાવવામાં આવશે. કેમ્પના છેલ્લા દિવસે તેમના વાલીઓની એક ખાસ બેઠક યોજવામાં આવશે. જેમાં તેઓને તેમના બાળકોના વાણી, વર્તન, વ્યવહાર, પ્રતિભા, કૌશલ્ય અને  હકારાત્મ ગુણો સહિતની બાબતોથી વાકેફ કરવામાં આવશે કે જેથી તેઓને તેમના સંતાનોના ભવિષ્યના ઉછેર માટે નિર્ણય લેવાની સાચી દિશા મળી રહે. ઉલ્લેખનીય છે કે, લવિંગ-સેન્ટર ફોર ટ્રાન્સફોર્મેશન ખાતે લોકોને મનની શાંતિ, યોગ, ધ્યાન અને મુકતમનના ઉલ્લાસભર્યા વાતાવરણમાં માનસિક તાણ, ગુસ્સો, નકારાત્મકતા, એકલતા સહિતની સમસ્યાઓમાંથી બહાર લાવી તેમના જીવનનું એક નવું ટ્રાન્સફોર્મેશન કરવાની બહુ મોટી સામાજિક જવાબદારી અદા કરવામાં આવી રહી છે.

(10:23 pm IST)