Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આડેધડ આર્થિક બોજ વધારતા કોર્પોરેશનના નિર્ણયોથી વિવાદ

સિકયોરીટી અને બાઉન્સરો પાછળ કરોડોનો ખર્ચઃ સિકયોરીટી એજન્સીઓ પાછળ વર્ષે દહાડે ૩૦ કરોડથી વધુનો ખર્ચ : બાઉન્સરોનો સહારો લેવાની દારૂણ સ્થિતિ

અમદાવાદ,તા. ૧૦, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના વગર વિચાર્યા અને આડેધડ અમલમાં મૂકાતાં આર્થિક બોજ વધારતા નિર્ણયોને લઇ એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. અમ્યુકો તંત્ર દ્વારા વિવિધ પ્રકારની સલામતી અને સુરક્ષા માટે સિકયોરીટી એજન્સીઓ પાછળ વર્ષેદહાડે રૂ.૩૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે અને તોય છેવટે સિકયોરીટી તો નબળી જ રહે છે, તેમાં કંઇ ભલીવાર આવતો નથી. જેથી તાજેતરમાં જ અમ્યુકો સત્તાધીશોને બાઉન્સરોનો સહારો લેવો પડયો તેવી દારૂણ સ્થિતિ સર્જાઇ. એટલે કે, ઘાટ કરતાં ઘડામણ મોંઘુ અને ખાતર પર દિવેલ જેવો ઘાટ અમ્યુકો તંત્ર માટે સર્જાયો છે. અમ્યુકો દ્વારા સિકયોરીટી પાછળ કરોડોના ખર્ચ ઉપરાંત હવે વળી પાછા પડછંદ બાઉન્સરોનો  વધારાનો આર્થિક બોજ ઉઠાવવાનો નિર્ણયથી ભારે વિવાદ જાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં તંત્રની મિલકતો તેમજ બીઆરટીએસ અને રિવરફ્રન્ટની સિકયોરિટી વ્યવસ્થા માટે વિવિધ સિકયોરિટી એજન્સીઓને રાખવામાં આવી છે અને આ સિકયોરીટી એજન્સી પાછળ અમ્યુકો દ્વારા દર વર્ષે રૂ.૩૦ કરોડથી પણ વધુની અધધ રકમ ખર્ચાય છે પરંતુ સલામતી કે સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ભલીવાર દેખાતો નથી અને તે નબળી હોવાના કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. તેનું સૌથી મોટું કારણ એ પણ છે કે, મોટાભાગના સિક્યોરિટી ગાર્ડ આધેડ, વૃદ્ધ, મજબૂત બાંધા વિનાના હોઇ પોતાની ફરજ પણ સરખી રીતે બજાવી શકે તેમ નથી. આવા માયકાંગલા સિકયોરીટી જવાનોની નબળાઇના કારણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે બાઉન્સર મૂકવાની ફરજ પડી છે.  તાજેતરમાં મ્યુનિસિપલ મુખ્યાલયમાં દર મહિને રૂ.૧૭,૦૦૦ના તગડા પગારથી ૧૦ બાઉન્સરને ફરજ પર મુકાતાં વિવાદ સર્જાયો છે. બીજી તરફ ૧૪-૧૪ વર્ષથી તંત્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ફાયર બ્રિગેડના વોલન્ટિયરને માસિક રૂ.૧૦,૦૦૦ ચૂકવીને તેમની સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. બાઉન્સરો મૂકવાના મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયને લઇ મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને તો હાથ ઊંચા કરી દીધા છે, પરંતુ શિવ સિક્યોરિટી એજન્સીના સિક્યોરિટી ગાર્ડ નબળા પુરવાર થતાં તે જ એજન્સીના તગડા બાઉન્સર મૂકવાથી ખુદ તંત્ર અને મ્યુનિસિપલ કમિશનર લોકોની નજરે હાસ્યાસ્પદ ઠર્યાં છે. આમ, તંત્રના સિક્યોરિટી ગાર્ડ પાંગળા પુરવાર થયાનો પુુરાવો સામે આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અમ્યુકોની વિવિધ ઝોનલ ઓફિસ, મ્યુનિસિપલ સેન્ટ્રલ સ્ટોર્સ, મ્યુનિસિપલ હોસ્પિટલ, વોટર વર્ક્સ, મ્યુનિસિપલ શાળા જેવી તંત્રની મિલકતોની સલામતી માટે શિવ સિક્યોરિટીના પ૦૦ ગાર્ડ, શકિતના ૪૦૦ ગાર્ડ, ડોક્સનના રપ૦ ગાર્ડ, જીઆઇએસએફના રપ૦ ગાર્ડ, યુનિક ડેલ્ટાના રપ૦ ગાર્ડ સહિત અંદાજે ૧૬૦૦થી ૧૭૦૦ ગાર્ડને તૈનાત કરાયેલા છે. આ માટે સિક્યોરિટી એજન્સીઓને વર્ષે દહાડે રૂ.૧૮ કરોડ ચૂકવાઇ રહ્યા છે, જોકે તેમછતાં આ તમામ મિલકતોની સુરક્ષાને લઇ કોઇ ખાતરી તો નથી જ. શાળામાંથી કમ્પ્યુટર, પંખા, ટ્યૂબલાઇટ ચોરાઇ જવી કે સેન્ટ્રલ સ્ટોર્સમાંથી વોટર મીટર ચોરાઇ જવામાં સિક્યોરિટી ગાર્ડ સંકળાયાની વાતોનો પર્દાફાશ થઇ ચૂકયો છે. આ જ પ્રકારે બીઆરટીએસમાં ડોક્સન કંપનીને સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કંપનીના ૬પ૦થી ૭૦૦ ગાર્ડ માટે તંત્ર વર્ષે દહાડે રૂ.૬ કરોડ ખર્ચે છે. તેમ છતાં મોટા ભાગના સિક્યોરિટી ગાર્ડ આધેડ વયના હોઇ બીઆરટીએસ કોરિડોરમાં આડેધડ ઘૂસતાં ખાનગી વાહનોને અટકાવી શકતા નથી. લાંબા સમયથી રિવરફ્રન્ટમાં લુખ્ખાં તત્ત્વોનો ત્રાસ વધ્યો છે. પ્રેમના નામે ત્યાં વિકૃતિ સંતોષનારા વધ્યા છે, તેમ છતાં શિવના ૯૮ ગાર્ડ, ડોક્સનના ૪૮ ગાર્ડ અને શકિતના ૩૭ ગાર્ડ મળીને કુલ ૧૭૦ ગાર્ડની પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે રૂ.ત્રણ કરોડ ચૂકવાઇ રહ્યા છે. આ તમામ સિક્યોરિટી એજન્સીની કામગીરી નબળી પુરવાર થઇ છે. છેલ્લા દોઢ વર્ષથી નવી સિક્યોરિટી વ્યવસ્થાના ટેન્ડરનો મામલો અમ્યુકો તંત્રએ અભરાઇ પર ચઢાવી દીધો છે, જેને લઇને પણ વિવાદ જાગ્યો છે.

(10:23 pm IST)