Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બિટકોઇન કેસમાં કોટડિયાની ધરપકડ હવે નિશ્ચિત બની ચુકી

જાડેજાના નિવેદન બાદ સીઆઇડી ક્રાઇમને મંજુરી : અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ-કેતન પટેલના ભાઈ જતિન પટેલ, નલિન કોટડીયા સહિત ૯ની ધરપકડ કરાશે

અમદાવાદ,તા. ૧૦ : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં   ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ૨૦૧૭માં ગુજરાતમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણી વખતથી ભાજપથી અંતર બનાવનાર નલિન કોટડિયાની ધરપકડ હવે નિશ્ચિત મનાઇ રહી છે. ખુદ ગૃહરાજયમંત્રીએ સ્પષ્ટ વાત કરી હતી કે,  બિટકોઇનના સમગ્ર કૌભાંડમાં જે કોઇ સંડોવાયેલા છે, તેમની ધરપકડ નિશ્ચિત  છે. આમ, સરકાર તરફથી પણ સાફ સંકેત મળી જતાં હવે બિટકોઇન કૌભાંડ મામલામાં નલિન કોટડિયાની ધરપકડ માટે સીઆઇડી ક્રાઇમને લીલીઝંડી મળી ગઇ છે અને ગમે તે ઘડીયે કોટડિયાને ઉઠાવી લેવાય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. ગૃહરાજયમંત્રીના નિવેદન બાદ હવે ચકચારભર્યા બિટકોઈન કેસમાં નાસતા ફરતા અમરેલી પોલીસના ૭ કોન્સ્ટેબલ તથા કેતન પટેલના ભાઈ જતિન પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સહિત નવ આરોપીઓની ધરપકડ હવે નિશ્ચિત મનાઇ રહી છે. એક તરફ નલિન કોટડીયા નિર્દોષ હોવાના ખુલાસા આપી રહ્યા છે અને આ મામલે ગૃહમંત્રી અને સીઆઈડીને પત્ર લખીને જાણ પણ કરી છે. પરંતુ તેનાથી બિલકુલ વિપરીત ગૃહમંત્રીએ સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું હતું કે બિટકોઈનના ગોરખધંધામાં જે કોઈ સંડોવાયેલું છે તેની ધરપકડ નિશ્ચિત છે. સરકારના આ સાફ સંકેત બાદ કોટડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે અને ગમે ત્યારે તેમની પર ગાળિયો કસાય તેવી પૂરી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, કોટડિયા ખુદ એક પછી એક પત્રો અને ફેક્સ પાઠવી પોતાની વાત સીઆઈડી ક્રાઇમને કહેવા માંગે છે તેવો તમાશો કરી રહ્યા છે. બિટકોઈન કૌભાંડ પ્રકરણમાં નલિન કોટડિયાએ તાજેતરમાં જ એક વધુ પત્ર સીઆઇડીને મોકલી પોતાની હત્યા થવાની દહેશત વ્યક્ત કરી હતી અને સાથે સાથે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે, આ કેસના મૂળ ફરિયાદી શૈલેષ ભટ્ટ સાથે રાજકીય મોટું માથુ સંકળાયેલું છે. તેમનું નામ તે વખત આવે જાહેર કરશે. તેમને સમાજ સજા કરશે. કોટડિયા હાલ પોતાના કામથી રાજય બહાર હોવાનો હવાલો આપી તા.૧૨મીએ સામેથી સીઆઇડી સમક્ષ હાજર થશે તેવો પણ દાવો કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સીઆઇડી ક્રાઇમના આગળના સ્ટેપ પર સૌકોઇની નજર મંડાઇ છે.

(8:20 pm IST)