Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પીસીઆર વાનના કોન્સ્ટેબલ પર હુમલો કરનારો ઝડપાયો

પોલીસ પર હુમલાની ઘટનાઓમાં વધારો : એસજી હાઇવે પર ચાંદખેડા પાસે રાત સુધી ચાલતાં લારી ગલ્લાં બંધ કરાવવા ગયેલી પીસીઆર વાન ઉપર હુમલો

અમદાવાદ,તા. ૧૦ : શહેરના એસજી હાઇવે પર ચાંદખેડા વિસ્તાર નજીક મોડી રાત સુધી ચાલતાં લારી-ગલ્લાં બંધ કરાવવા ગયેલી પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલ પર સ્થાનિક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ પર હુમલાની ઘટનાઓ શહેરમાં દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ નાગરિકોની સુરક્ષા કેવી રીતે કરશે તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. પોલીસ પર હુમલાની ઘટનાઓ જોતાં ગુનેગારો અને માથાભારે તત્વોને હવે જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ના હોય તેવો માહોલ ઉભો થઇ રહ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ અન્ય પોલીસકર્મીઓ સાથે ગઈકાલે મોડી રાત સુધી ચાલતા લારી-ગલ્લા બંધ કરાવવા એસજી હાઇવે પર એન્જિનીયરીંગ કોલેજ પાસે પહોંચ્યા હતા, જ્યાં જય અંબે ટી સ્ટોલ નામની ચાની કીટલી ચાલુ હતી. કોન્સ્ટેબલ અશ્વિનભાઈએ પીસીઆર વાનમાંથી નીચે ઊતરીને કીટલીના માલિક મનીષ રબારીને કીટલી બંધ કરવા કહ્યું હતું. કીટલી બંધ કરવાનું કહેતાંની સાથે જ મનીષ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

અશ્વિનભાઈએ ગાળાગાળી કરવાની ના પાડતાં મનીષ રબારી અને તેની સાથેના માણસોએ મારામારી શરૂ કરી દીધી હતી. વાત વણસતાં પીસીઆર વાનના અન્ય પોલીસ કર્મચારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને  અશ્વિનભાઇને છોડાવી આરોપી મનીષ રબારીને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી આરોપી મનીષ રબારીની ધરપકડ કરી હતી અને મામલાની વધુ તપાસ હાથ ધરી હતી.

(8:18 pm IST)