Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કોમર્શિયલ સેન્‍ટરો, મોલ્સ અને મલ્‍ટીપ્લેક્સમાં પાર્કિંગના નામે કોઇ ચાર્જ ઉઘરાવી ન શકાયઃ હાઇકોર્ટ દ્વારા સરકારને નોટિસઃ જુલાઇ મહિનામાં વધુ સુનાવણી

અમદાવાદઃ મોટાભાગના મોલ્સ કે મલ્ટિપ્લેક્સ અને કેટલાક કોમર્શિયલ સેન્ટરોમાં આવતા વિઝિટર્સ પાસેથી તગડો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. જોકે, સુરતના સંજીવ ઈઝાવાએ આ ચાર્જને ગેરકાયદે ગણાવી તેની સામે જાહેરહિતની અરજી કરી છે. અરજકર્તાનું કહેવું છે કે, કોઈપણ મોલ કે મલ્ટિપ્લેક્સ મુલાકાતી પાસેથી પાર્કિંગ ચાર્જ લઈ શકે નહીં.

જાહેરહિતની અરજીમાં દાવો કરાયો છે કે, પાર્કિંગ ચાર્જના નામે નાગરિકોની સરેઆમ લૂંટ કરાય છે. નિયમો અનુસાર, પાર્કિંગ માટે રખાયેલી જગ્યામાં કોઈ પણ પ્રકારની ધંધાદારી પ્રવૃત્તિ ન થઈ શકે. પરંતુ આ નિયમનો ભંગ કરીને મોલ્સ તેમજ મલ્ટિપ્લેક્સો વર્ષે દહાડે કરોડો રુપિયાની પાર્કિંગ ફી ઉઘરાવી લે છે. ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ પંચોલીની બેંચે આ મામલે સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી જુલાઈમાં મુકરર કરી છે.

આ જાહેરહિતની અરજીમાં જણાવાયું છે કે, મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને કોમર્શિયલ સેન્ટરો બનાવતી વખતે પાર્કિંગની જગ્યાને એફએસઆઈમાંથી બાદ રાખવામાં આવે છે, જેનો સરકાર પાસેથી આર્થિક ફાયદો પણ મેળવી લેવાય છે. એટલું જ નહીં, આ જગ્યા FSIમાં ન આવતી હોવાથી તેના પર કોઈ ટેક્સ પણ ભરવાનો નથી થતો. આમ છતાંય, લોકો પાસેથી પાર્કિંગ ફી ઉઘરાવવામાં આવે છે.

અરજકર્તાએ એવો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો છે કે, મોટો પાર્કિંગ ચાર્જ ન ચૂકવવો પડે તે માટે કેટલાક લોકો તો રસ્તા પર જ વાહનો મૂકી દે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે છે. અરજકર્તાએ માંગ કરી છે કે, પાર્કિંગ ફીને ગેરકાયદે જાહેર કરવામાં આવે, અને પાર્કિંગ ચાર્જ નહીં લેવાનો આદેશ કરાય. સરકાર તેના માટે ચોક્કસ નીતિ ઘડે તેવી પણ માંગ અરજકર્તાએ કરી છે.

(5:50 pm IST)