Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વિપુલ ચૌધરીઅે રાજ્ય સરકાર વિરૂદ્ધ કરેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધીઃ રૂપિયા ૪૨ કરોડ વસુલવા આદેશઃ ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હાઈકોર્ટે વિપુલ ચૌધરીને ઝટકો આપ્યો છે. વિપુલ ચૌધરીએ રાજ્ય સરકાર વિરૂદ્ધ કરેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે  ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવવાની સાથે સાથે  વિપુલ ચૌધરી પાસેથી  રૂપિયા 42 કરોડ  વસુલ કરવાનો  આદેશ આપ્યો છે.  હાઈકોર્ટ કહ્યું કે કલમ 93 હેઠળ દોષિત વ્યક્તિને સહકારી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાય છે. જેથી વિપુલ ચૌધરીના રાજકીય ભવિષ્ય પર પૂર્ણ વિરામ મૂકાઈ જશે.

મહત્વનું છે કે, વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના કૌભાંડ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાજ્ય સરકારે વિપુલ ચૌધરીને જે નોટિસ ફટકારી હતી. તેની સામે અરજી કરવામાં આવી હતી. જે અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે રાજ્ય સરકારને 42 કરોડ વસુલવા માટેનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે અને વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે થોડાક વર્ષો પહેલા જ્યારે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો હતો. તે સમયે વિપુલ ચૌધરી દુધસાગર ડેરીના ચેરમેન હતા. ત્યારે તેમને મહારાષ્ટ્રની મદદ કરવા માટે પશુઓને પશુદાન મોકલ્યું હતું. જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ વિપુલ ચૌધરી પર લગાવવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય સરકારે તેને શોકોઝ નોટીસ ફટકારી હતી. અને ભ્રષ્ટાચારની રકમ વસૂલવા માટે કામગીરી હાથ ધરી હતી. જેથી રાજ્ય સરકારના વિરૂદ્ધમાં વિપુલ ચૌધરી હાઈકોર્ટમાં પડકાર આપીને અરજી કરી હતી. જે અરજીને હાઈકોર્ટે હાલમાં ફગાવી દીધી છે. જેથી રાજ્ય સરકારને 42 કરોડ રૂપિયા વસુલવા માટેનો માર્ગ મોકળો બની ગયો છે.

તો રાજ્ય સરકારના સહકારી વિભાગે વિપુલ ચૌધરીને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા હતા. જેની સામે વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીની રજૂઆત હતી કે, રાજ્ય સરકાર દ્વારા તેને ખોટી રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, રાજ્ય સરકારે આપેલી બન્ને શો કોઝ નોટિસના વિસ્તૃત જવાબ આપ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી દાખવીને આ પગલુ ભર્યુ છે. આ ઉપરાંત, રાજ્ય સરકારનો છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય અતિ કડક છે. બીજી તરફ, રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, વિપુલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. રાજ્ય સરકારે લીધેલુ પગલુ યોગ્ય છે.

(5:49 pm IST)