Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વડોદરાના કોંગ્રેસના પૂર્વ કાઉન્‍સીલર ચિન્નમ ગાંધીના પુત્ર શ્રીકાંત ગાંધીની કાર ચોરીના કેસમાં અેસઓજી દ્વારા ધરપકડઃ શ્રીકાંત અને અન્‍ય શખ્સ ઓડીની ચાવી લઇને ફરાર થઇ ગયા હતાં

વડોદરાઃ વડોદરાના કોંગ્રેસના નેતા અને પૂર્વ કાઉન્‍સીલર ચિન્નમ ગાંધીના પુત્ર શ્રીકાંત ગાંધીની કાર ચોરવાના કેસમાં અેસઓજી ધરપકડ કરવામાં આવી છે.

શ્રીકાંત સહિત 6 લોકોની SOGDPIL (ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ)ના મેનેજિંગ ડાયરેક્ટર અમિત ભટનાગરની ઓડી કાર ચોરવાના આરોપમાં ધરપકડ કરી છે.

SOGના સૂત્રોએ જણાવ્યું કે, તપાસ દરમિયાન શ્રીકાંતની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરાઈ છે. શ્રીકાંતની સાથે ભટનાગરના બે ડ્રાઈવર કરસન રાઠવા અને નગીન મકવાણાની પણ ધરપકડ થઈ છે. આ બંને આરોપીઓ કાર ચોરીના માસ્ટરમાઈંડ હતા.

5મેના રોજ નવા અલ્કાપુરી વિસ્તારમાં આવેલા અમિત ભટનાગરના બંગ્લોમાંથી 1.25 કરોડની કિંમતની કાર ચોરી હતી. બંને ચોરોએ પોતાની ઓળખ ED અધિકારીઓ તરીકે આપી અને ગાડી લઈ ગયા. SOG પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ.ચૌહાણે કહ્યું કે, “રાઠવા અને મકવાણા આ ચોરીના માસ્ટરમાઈંડ છે. જુદી-જુદી એજંસીઓ ભટનાગરના ઘરે તપાસ માટે આવતી હતી જેનો લાભ લઈને બંનેએ ગુનાને અંજામ આપ્યો.

ડ્રાઈવર તરીકે કામ કરતાં વેરાસિનો કારોના અને પ્રકાશ નાયડૂ ED અધિકારીઓ બનીને ભટનાગરના ઘરે પહોંચ્યા હતા. ચોહાણે કહ્યું કે, “રાઠવા અને મકવાણાએ શ્રીકાંતના મિત્ર સંજીવ ડાભીના પાડોશી કારોનાનો સંપર્ક કર્યો હતો. શ્રીકાંત જૂની કારની લે-વેચનો ધંધો કરે છે. કારોનાએ નાયડૂને પણ ગુનાનો અંજામ આપવા સામેલ કર્યો. કારોનાએ ભટનાગરના બંગ્લોના સિક્યુરિટી ગાર્ડને તેની અને નાયડૂની ઓળખ ED અધિકારીઓ તરીકે આપી હતી. બંને જણાએ ઓડીની ચાવી માગી અને કાર લઈને ફરાર થઈ ગયા.

સંજીવ ડાભી અકોટા ભાજપના ધારાસભ્ય સીમા મોહિલેના ત્યાં ડ્રાઈવર હતો. ચૌહાણે કહ્યું કે, “બંને જણા કાર સીધી શ્રીકાંત પાસે લઈને પહોંચ્યા. શ્રીકાંતે બંનેને બે લાખ રૂપિયા આપવાની ઓફર આપી હતી પણ બંનેએ 7-8 લાખ રૂપિયાની માગ કરી. શ્રીકાંતે કારોના અને ડાભી સાથે કારની ટેસ્ટ ડ્રાઈવ કરી. જ્યારે કારની વેચાણ કિંમતને લઈને વાટાઘાટો ચાલતી હતી ત્યારે જ કાર ચોરી થયાના સમાચાર સોશિયલ મીડિયા પર ફરતા થયા. જ્યારે કારોનાને આ સમાચાર મળ્યા ત્યારે તે શ્રીકાંત અને ડાભીને મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો.

ઈન્સપેક્ટર ચૌહાણે કહ્યું કે, “શ્રીકાંતે ડાભીને કાર રાજપીપળા છોડી દેવાનું કહ્યું. CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે રાત્રે 8 વાગ્યાની આસપાસ કાર રાજપીપળા લવાઈ હતી એટલે કે ચોરીના 5 કલાક બાદ. જ્યારે કાર અને વડોદરા-રાજપીપળા રોડના CCTV ફૂટેજ મળ્યા ત્યારે અમને ભટનાગરના કોઈ નજીકના વ્યક્તિની સંડોવણી જણાઈ.શ્રીકાંતને કાર ચોરીની હોવાની જાણ થઈ હોવા છતાં તેણે પોલીસને માહિતી આપવાને બદલે રાજપીપળામાં કાર છૂપાવી રાખી અને વેચવાના પ્રયાસો ચાલુ રાખ્યા.

6મેએ જ્યારે કાર ઝડપી લેવાઈ ત્યારે શ્રીકાંત એક પ્રાઈવેટ દવાખાનામાં દાખલ થઈ ગયો. હોસ્પિટલમાંથી જ શ્રીકાંતની ધરપકડ કરાઈ છે. તમામ 6 આરોપીઓને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે.

(5:46 pm IST)