Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પારુલ યુનિવર્સીટીના વિદ્યાર્થીનું નવમા માળેથી નીચે પટકાતા ઘટના સ્થળેજ ઢીમ ઢળ્યું

વડોદરા:શહેરના વાઘોડિયારોડ પર રહેતા પારૃલ યુનિ.ના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીનું ગત રાત્રે ફ્લેટના નવમા માળે અગાસી પરથી નીચે પટકાતા તેનું ટુંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

 


મુળ જુનાગઢના ટીમ્બાવાડીનો વતની ૨૦ વર્ષીય મલય રમેશભાઈ વરડિયા વાઘોડિયાની પારૃલ યુનિ.ના કોમ્પ્યુટર સાયન્સના ફર્સ્ટ ઈયરમાં અભ્યાસ કરતો હતો. હાલમાં  તે વાઘોડિયારોડ પર પરિવાર ચાર રસ્તા પાસેના વૃંદાવન હાઈટ્સના ફ્લેટમાં સહવિદ્યાર્થીઓ સાથે રહેતો હતો. ગઈ કાલે તે તેના મિત્રો સાથે ફ્લેટના નવમામાળે આવેલી અગાસી પર આવેલી ટેરેસ કેબિનના ઠેક ઉપરના ભાગે બેઠો હતો. રાત્રે આશરે સાડા બાર વાગે તે ટેરેસ કેબિન પરથી અગાસીના ચોકના વચ્ચેના ભાગે ઉપરની ખુલ્લી જગ્યા પર ઢાકેલા પ્લાસ્ટીક પર પગ મુકીને નીચે ઉતરવાનો પ્રયાસ કર્ય હતો.
જોકે પ્લાસ્ટીકના કવર પર પગ મુકતા જ પ્લાસ્ટીક તુટયુ હતું તે નવમામાળે ચોકના ખુલ્લા ભાગેથી સીધો નીચે ગ્રાઉન્ડફ્લોર પર પટકાયો હતો. ઉંચાઈ પરથી પટકાતા તેના માથામાં ,છાતી અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી . આ બનાવની જાણ થતાં મલયના મિત્રો અને ફ્લેટના રહીશોમાં દોડધામ મચી હતી. મલયને તુરંત બેભાનવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં આજે સવારે સાડા ચાર વાગે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની પાણીગેટ પોલીસ મથકમાં જાણ કરાતાં પીએસઆઈ પી એમ રાખોલિયાએ મલયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

(5:37 pm IST)