Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સસ્તા ભાવે સોનુ આપવાનું કહી 11 વ્યક્તિઓ પાસેથી 1.75 કરોડની ઠગાઈ કરનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ

તારાપુર: પંથકમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને વેપારીઓને લલચાવી ઠગાઈ કરવાનો આંકડો ૧.૭૫ કરોડે પહોંચ્યો છે. ફરાર થઈ ગયેલા મુખ્ય સુત્રધાર મહંમદઅન્સારને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યુ ંછે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર સને ૨૦૧૬માં તારાપુર પંથકમાં ૧૮ હજાર રૂપિયાના ભાવે એક તોલુ સોનુ આપવાની લાલચ આપીને કુલ ૧૧ જેટલા વેપારીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. વાસણાના બે ભાઈઓની મદદથી ઓળખાણમાં આવેલા મુળ મહારાષ્ટ્રના પરંતુ હાલમાં નડીઆદ બારકોશીયા અશરફી પાર્કમાં રહેતા મહંમદઅન્સાર શેખ દ્વારા વિધિ કરવાના બહાને મહુધા તાલુકાના રૂંદણ ગામે લઈ જઈને જમીનમાંથી એક કિલો ચાંદી તેમજ એક ઝાડ પરથી ૨૨ હજાર રૂપિયાની સો, પચાસ અને દશના દરની નોટોનો વરસાદ કરીને સૌને આંજી નાંખી પુરેપુરા વિશ્વાસમાં લઈ લીઘા હતા. ત્યારબાદ તેઓની પાસેથી કુલ ૧.૭૫ કરોડ રૂપિયા લઈને રાતોરાત નડીઆદ ખાતેનું પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો.

સમગ્ર કેસની તપાસ ચલાવી રહેલી એલસીબી પોલીસે નડીઆદ સ્થિત તેના ઘરે છાપો માર્યો ત્યારે તે પરિવાર સાથે થોડા સમય પહેલાં જ ફરાર થઈ ગયો હોવાનું ખુલવા પામ્યું હતુ. તેણે ચારેક વર્ષ પહેલા આ મકાન ખરીદ્યું હતુ અને ત્યાં જ રહેતો હતો. તે મુળ મહારાષ્ટ્રનો હોવાનું ખુલ્યું છે જેને લઈને પોલીસ દ્વારા ત્યાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર જો મહંમદઅન્સાર પકડાય તો ઠગાઈની રકમનો આંકડો વધે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.

(5:35 pm IST)