Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ખેડા જિલ્લામાં જુદા-જુદા બે અકસ્માતમાં બેના કમકમાટીભર્યા મોત

ખેડા:જિલ્લામાં મહારાજના મુવાડા વનોડા ચોકડી તેમજ મહંમદપુરા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડામાં રહેતા રમેશભાઈ રામસીંગભાઈ રાઠોડ ગઈકાલે બપોરે મોટરસાયકલ નં જીજે-૭-સીએચ-૯૭૯૨ લઈને જતો હતો. ત્યારે વનોડા ચોકડી નજીક પૂરપાટ ઝડપે પસાર થતો અજાણ્યો વાહનચાલક બાઈકચાલકને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી રમેશભાઈ રાઠોડને બાઈક ઉપરથી રોડ ફંગોળાઈ જતાં ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું.

બનાવ અંગે બુધાભાઈ રામસીંગ રાઠોડની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અકસ્માતનો બીજો બનાવ કપડવંજ મહંમદપુરા રોડ ઉપર સર્જાયો હતો. જેમાં મહંમદપુરામાં રહેતા પ્રકાશભાઈ રતિલાલ અને પ્રિતેશભાઈ કલ્પેશભાઈ સોલંકી મહંમદપુરા રોડ પરથી ચાલતા જતા હતા. ત્યારે દાસલવાડા તરફથી પૂરઝડપે આવેલી રીક્ષા નં જીજે-૭-એટી-૮૦૨૨એ ટક્કર મારતાં પ્રિતેશભાઈ સોલંકીને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. તેને તુરંત જ સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યાં પ્રિતેશભાઈ સોલંકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રકાશભાઈ રતિલાલ સોલંકીની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:34 pm IST)