Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે તેનું એક એક ટીપું રોકાય-સંગ્રહાય તે જરૂરી છે: જળ અભિયાન આજે જન અભિયાન બન્યું છે: જળસંચયથી જળસંકટ પર વિજય મેળવીએ : સાબરકાંઠા જિલ્લામાં માંગોળ વાડી નદીને પુનઃજીવિત કરવાના કાર્યક્રમ અંતર્ગત ચેકડેમનું ભૂમિપૂજનઃ વિજયભાઇ રૂપાણી સ્વયં શ્રમદાનમાં જોડાયા

   ગાંધીનગર :  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, પાણી પરમેશ્વરનો પ્રસાદ છે. તેનું એક એક ટીપું રોકાય અને સંગ્રહાય તે માટે ચોમાસાના આગમન પૂર્વે જળસંચયના કામો જનસહયોગથી હાથ ધરવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે.

    લોક ભાગીદારીથી શરૂ કરાયેલું જળ અભિયાન સાચા અર્થમાં જનઅભિયાન બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ આજે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં બાવળકાંઠીયા ખાતે માંગોળ વાડી નદીને પુનઃજીવિત કરવાના ભાગરૂપે ચેકડેમ નિર્માણનું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે, પાણી વિકાસનો પાયો છે.

    ગુજરાતનું અભિયાન પણ દેશને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યકત કરી તેમણે કહ્યું કે, આ અભિયાન અન્વયે તળાવો ઊંડા કરવાના ખોદકામમાંથી નીકળેલી માટી પર ૩૧ મે સુધી કોઇ રોયલ્ટી નહી લેવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ જળસંચય અભિયાનના વિરોધીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે આ અભિયાન કોઇ રાજકીય ઇરાદાથી નહિ, પરંતુ જનસેવાની ઉદાત ભાવનાથી ઉપાડયું છે. ગુજરાતમાં જનહિતના અનેક અભિયાનો આ સરકારે વિકાસની રાજનીતિ અપનાવી શરૂ કર્યા છે અને પારદર્શીતાથી ‘સૌનો સાથ સૌનો વિકાસ’નો મંત્ર પાર પાડયો છે.

    તેમણે કહ્યું કે રાજ્યમાં ૩૨ નદીઓને પુનઃજીવિત કરવા ઉપરાંત, બારમાસી નદીઓની સાફસફાઇ હાથ ધરાશે. અમદાવાદની ખારીકટ કેનાલમાંથી રોજનો હજાર ટન કચરો બહાર કઢાય છે આમાં મોટી સંખ્યામાં જનભાગીદારીને જોડાવા પણ તેમણે આહવાન કર્યું હતું.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના સ્થાપનાદિન ૧લી મે થી  રાજ્યમાં શરૂ કરાયેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ચેકડેમ, ડીસીલ્ટીંગ, નહેરોની સફાઇ, ચેકડેમ, ચેકડેમ રિપેરીંગ, તળાવ, કન્ટુરટ્રેન્ચ, વન તલાવડી અને રેઇન વોટર હાર્વેસ્ટીંગ સહિતના ૧૩ હજારથી વધુ કામ શરૂ કરાયા છે.

    મહાઅભિયાનમાં જે.સી.બી., ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થાય છે તેમજ લાખો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

      સાબરકાંઠા જિલ્લામાં અભિયાનની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં ખેતી માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરવા તળાવો ઉંડા કરવા, ચેક ડેમનું  ડિસીલ્ટીંગ, નહોરોના ડિસીલ્ટીંગ સહિત ૭૬૫ જેટલા જળ સંચયના કામો ઉપાડ્યા છે.

      મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુકે, પાણી ધરતી પરનું અમૃત છે. તેનો સંચય સંગ્રહ અત્યંત જરૂરી છે. આ સંગ્રહથી જળ સંકટ પર વિજય મેળવવા તેમણે આહવાન કર્યુ હતું.

      સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જળ સંચયનું હાથ ધરેલું અભિયાન ખરેખર પ્રશંસનીય છે. અભિયાનમાં જનસહયોગથી એક વિશાળ માળખુ ઉભુ થવાનું છે તે આવકાર્ય છે એમ તેમણે ઉમેર્યું હતુ.

      ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, પાણીએ આપણા અસ્તિત્વનો આધાર છે પીવા અને સિંચાઈ એમ બન્ને માટે પાણી જરૂરી છે ત્યારે ગુજરાતે સુજલામ સુફલામ અંતર્ગત જળસંચયનું અભિયાન હાથ ધર્યું છે. ધરતીના પેટાળમાંથી જળ ખેંચવા વીજળી જોડાણો આપ્યા સાથે-સાથે જળસંચયના કામો પણ કર્યા છે. કાળઝાળ ગરમીમાં હાથ ધરાયેલું ભિયાન પ્રશંસનિય અને અનુકરણીય છે એમ તેમણે ઉમેર્યું હતું.

      જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણા ડી. કે. જણાવ્યું હતુ કે,  જિલ્લામાં અભિયાન અંતર્ગત ૭૫૦ જેટલા કામો હાથ ધરાયા છે. જેના હકારાત્મક પરિણામો આગામી સમયમાં મળશે. તેમણે જિલ્લામાં હાથ ધરાયેલા કામોની વિસ્તૃત જાણકારી આપી હતી.

      આ પ્રસંગે ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકા સરપંચ એસોિયેશન દ્વારા મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિના રૂપિયા ૨૧ હજારના ચેક અપાયા હતા.

      આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, સંસદ સભ્ય શ્રી  દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી રમીલાબેન બારા, પ્રદેશ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી જે. ડી. પટેલ, જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:22 pm IST)