Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

રાજ્ય સરકારની મંજૂરી વગર નોટરી સામે કાર્યવાહી કે ધરપકડ થઇ શકે નહી

કોર્ટે બોગસ દસ્તાવેજની મિલકત પચાવવાના કેસમાં નોટરીને ડિસ્ચાર્જ કર્યા

રાજકોટ તા. ૧૦ : નોટરી એકટની કલમ ૧૩ની જોગવાઇ અનુસાર કેન્દ્ર કે રાજય સરકાર દ્વારા ખાસ સત્તા આપવામાં આવેલી હોય તે જ અધિકારી નોટરી સામે ફરિયાદ કરી શકે અને સરકારની મંજૂરી વગર નોટરી સામે કાર્યવાહી કે ધરપકડ ન થઇ શકે તેવી નોંધ સાથે મેટ્રોપોલિટન કોર્ટે નોટરીને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩માં બોગસ દસ્તાવેજના આધારે મિલકત પચાવી પાડવાનો કેસ ઓઢવ પોલીસ મથકમાં નોંધાયો હતો. જેમાં નોટરી સહિત આઠ આરોપીઓ હતા.

બોગસ દસ્તાવેજના આધારે ઠગાઇ કરવાના કેસમાં નોટરી ચંદ્રકાંત ઉમિયાશંકર શેલત સહિત આઠ સામે ઓઢવ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૩માં ફરિયાદ કરાઈ હતી. જેમાં તપાસ કરી પોલીસ અધિકારીએ આઠ આરોપીઓ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ નોટરી ચંદ્રકાંત શેલતે સીઆરપીસીની કલમ ૨૩૯, ૨૪૫ હેઠળ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, કેસના તમામ કાગળો જોતા નોટરી સામે કોઇ જ પુરાવો નથી અને પ્રથમદર્શિય કેસ પણ બનતો નથી, તેઓ નોટરી તરીકે ફરજ અદા કરે છે તેમણે ફરજના ભાગરૂપે દસ્તાવેજની નોંધણી કરી હતી પરંતુ તેઓ ગુનામાં સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા નથી. નોટરી એકટની કલમ ૧૩ની જોગવાઇ મુજબ તેઓ નિર્ધારીત ફરજનું કાર્ય કરે તો તે તેમને આ કલમ હેઠળ કાયદાકીય રક્ષણ મળે છે. આવા કિસ્સામાં જો ફરિયાદ કરવી હોય તો રાજય કે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ સત્ત્।ા સોંપવામાં આવી હોય તે જ અધિકારી કરી શકે છે. પરંતુ આ કેસની હકીકત જોતા આવી કોઇ જ પરવાનગી લેવાઈ નથી. ઉપરાંત કોર્ટને નોટરી સામે આવો કેસ ચલાવવાની પણ સત્ત્।ા નથી. જેથી કોર્ટે નોટરીને ડિસ્ચાર્જ કરવા જોઇએ.

રજૂઆત બાદ મેટ્રોકોર્ટે નોંધ્યું હતું કે, નોટરી એકટની કલમ ૧૩ મુજબ નોટરી સામે ખાસ અધિકારી દ્વારા ફરિયાદ કરાઈ નથી. તેથી તેમની સામે તોહમત(ચાર્જફ્રેમ) કરી શકાય નહીં. તેમણે માત્ર દસ્તાવેજ જ નોટરાઇઝ કરી આપ્યો છે તેથી તેમની સામે પ્રથમદર્શિય પુરાવો ન હોવાનું રેકર્ડ પર આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.

(3:50 pm IST)