Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સરપંચ સામે શરૂઆતના એક વર્ષ દરમિયાન અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાયઃ હાઇકોર્ટ

મહિલા સરપંચ વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્તને પડકારતી પીટીશન અંતર્ગત ઐતિહાસિક ચુકાદો

રાજકોટ તા. ૧૦ : ગુજરાત હાઈકોર્ટે પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લગતા મુદ્દા સંદર્ભે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના એક મહિલા સરપંચે તેમની વિરૂદ્ઘના અવિશ્વાસના પ્રસ્તાવને પડકારતી પીટિશન અંગેની સુનાણીમાં આદેશ આપ્યો છે કે સરપંચનો કાર્યકાળના શરૂઆતના એક વર્ષ અને તાલુકા પંચાયતના પ્રમુખની વરણીના શરૂઆતના છ મહિના દરમિયાન તેમના વિરૂદ્ઘ અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય.

અરજદારની રજૂઆત મુજબ વડોદરા જિલ્લાના સંખેડા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ૨૯-૧૨-૨૦૧૭ના રોજ શિંવાગીબહેન પટેલને સરપંચ કરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૬-૧-૨૦૧૭ના રોજ ઉપસરપંચની વરણી માટે એક બેઠક યોજાઈ હતી અને બીજી બેઠક ૨૪-૧-૨૦૧૭ના રોજ યોજાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતની વિવિધ સમિતિઓના હોદ્દેદારો અને વ્યૂહરચના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકના બીજા જ દિવસે ગ્રામપંચાયતના ૧૪માંથી ૧૧ સભ્યોએ મહિલા સરપંચ વિરૂદ્ઘ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તમાં એવી આશંકા વ્યકત કરવામાં આવી હતી કે પંચાયતના કામો અને ગામના વિકાસકાર્યો માટે સરપંચ સમય ફાળવી શકે તેમ નથી. ત્યારબાદ ૨૬-૧-૨૦૧૭ના રોજ યોજાયેલી ગ્રામસભાની બેઠકમાં આ દરખાસ્ત ફગાવવામાં આવતા આ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો હતો અને તાલુકા વિકાસ અધિકારીએ અવિશ્વાસની દરખાસ્ત માટેની બેઠક સંદર્ભે સરપંચને નોટિસ પાઠવી હતી.

આ નોટિસને મહિલા સરપંચ દ્વારા હાઈકોર્ટમાં પડકારમાં આવી હતી. અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે લોકો દ્વારા ચૂંટાયેલી વ્યકિતને લોકોના કામ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ. એક મહિનાથી પણ ઓછો સમય એ સરપંચ માટે તેની કાર્યશકિત દેખાડવા માટેનો પૂરતો સમય નથી. કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત સાંભળી ચુકાદો આપ્યો હતો કે શિવાંગીબહેન પટેલ વિરૂદ્ઘની અવિશ્વાસની દરખાસ્ત યોગ્ય નથી, જેને રદબાતલ ઠેરવવામાં આવે છે.

ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો હતો કે ગ્રામપંચાયતમાં સરપંચના કાર્યકાળના શરૂઆતના એક વર્ષ દરમિયાન તેના વિરૂદ્ઘ અવિશ્વાસની દરખાસ્ત નહીં લાવી શકાય. તેમજ એક વર્ષ બાદ જો અવિશ્વાસની દરખાસ્ત આવે અને તેમાં સરપંચ વિરૂદ્ઘ પૂરતા મત ન મળે તો તેના એક વર્ષ બાદ જ બીજી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકાશે. તેવી જ રીતે તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ ચૂંટાયાના શરૂઆતના છ મહિના તેની વિરૂદ્ઘ અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય અને જો અવિશ્વાસની દરખાસ્તમાં પ્રમુખને દૂર કરવા જરૂરી મત ન મળે તો બીજી અવિશ્વાસની દરખાસ્ત છ મહિના બાદ થવી જોઈએ.

(3:45 pm IST)