Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમદાવાદમાં કવિ દુલા કાગ વ્યાખ્યાનમાળામાં ઉદ્બોધન ચારણી સાહિત્ય આપણા સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહર : વસંતભાઇ ગઢવી

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા સંયુકત રીતે ભકતકવિ દુલા કાગ ચારણી સાહિત્ય વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી છે. જેના ઉપક્રમે નિવૃત આઇ.એ.એસ. અધિકારી વસંતભાઇ ગઢવીએ 'ચારણી સાહિત્ય : વારસો અને વૈભવ' એ વિષય પર બુધવારે વિશ્વકોશ ભવન ખાતે વ્યાખ્યાન આપ્યું. ગઢવી ચારણી સાહિત્યના ઉંડા અભ્યાસી છે.

તેઓએ કહ્યું કે ચારણી સાહિત્ય એ આપણા સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહર છે. આઠમી સદીથી આ સાહિત્યનો પ્રભાવ સતત રહેલો છે. ભકતકવિ ઇસરદાસ કે સાંયાજી ઝૂલાથી લઇને કવિ દુલા ભાયા કાગ સુધીના સાહિત્યાકારોએ ચારણી સાહિત્ય સંબંધમાં મહત્વનું ખેડાણ કરેલુ છે. આ સાહિત્યમાં ભકિત, શૌર્ય તથા પ્રકૃતિની આરાધનાનું પ્રભુત્વ રહેલું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ કવિ તથા ભકત બ્રહ્માનંદ સ્વામી એક સમર્થ કવિ હતા, જેઓ પૂર્વાશ્રમમાં ચારણ હતા. ચારણ કવિઓની રચનાઓ શબ્દોની ઝાકઝમાળ તેમજ અર્થપૂર્ણતાને કારણે વિશેષ લોકપ્રિય તેમજ આકર્ષક રહી છે.

કાર્યક્રમના પ્રારંભે ડો. કુમારપાળ દેસાઇએ કવિ કાગની સાથેના એમના સંબંધોને દર્શાવતા કેટલાક માર્મિક પ્રસંગો રજૂ કર્યા હતાં. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક અંબાદાન રોહડિયાએ શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો. આ પ્રસંગે વિશ્વકોશ ભવનમાં ચારણી સાહિત્યના અઢીસો જેટલા ગ્રંથોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન વસંતભાઇ ગઢવી અને અંબાદાન રોહડિયાએ કર્યું હતું.

(11:53 am IST)