Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બોરીબંધ વિશે વાહીયાત નિવેદન આપતા પહેલા વિપક્ષના નેતાએ પોતાનું સામાન્ય જ્ઞાન ચકાસી લેવું જોઈએ - સુજલામ સુફલામ જળ અભિયાનને જે રીતે સહયોગ મળી રહ્યો છે તેનાથી કોંગ્રેસ ડઘાઈ ગઈ છે : આઈ. કે. જાડેજા - ગોરધનભાઈ ઝડફીયા

ગાંધીનગર : આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષઓ  આઈ. કે. જાડેજા અને  ગોરધનભાઈ ઝડફીયાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના નેતાના પાયાવિહોણા આક્ષેપોને પડકારતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને  નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા  લોક  ભાગીદારીથી રાજ્યના  તમામ જીલ્લાઓમાં તળાવો ઉંડા કરવા, ચેક ડેમોના ડીશીલ્ટીંગ, નહરેની સફાઈ, નદીઓને પુનર્જિવીત કરવાના સુજલામ સુફલામ  જળ અભિયાન યોજના હેઠળ ૧૭,૦૦૦ જેટલા જળ સંચયના કામોનું તા. ૧ મે થી ૩૧ મે સુધીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી અંદાજે રૂ. ૧૧,૦૦૦ લાખ ઘન ફુટ વરસાદી પાણીનો જળ સંગ્રહ થવાનો છે.
 
શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, માનવતાના કાર્યમાં સમાજસેવી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, વ્યક્તિગત દાતાઓ, સરકારી સંસ્થાઓનો જે રીતે સહયોગ મળી રહ્યો છે તેનાથી ડઘાઈ જઈને કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ આ રચનાત્મક કાર્યનો નકામો વિરોધ કરી રહી છે. પરેશભાઈ ધાનાણી બોરીબંધના મુદ્દે રાજીનામું આપવા તૈયાર થયા છે તે હાસ્યાસ્પદ છે.
 
શ્રી ઝડફીયાએ જણાવ્યું હતું કે, વિરોધપક્ષના નેતાને ખબર હોવી જોઈએ કે બોરીબંધ જે જળ સંચયના કાર્યક્રમ માટે હાથ ધરાયેલ કાર્યક્રમ છેક વર્ષ ૨૦૦૫માં શરૂ કર્યો હતો. સામાન્ય બુદ્ધિની વાત છે કે બોરીબંધ એ હંગામી ધોરણે ચોમાસામાં નદી-નાળા અને વોંકળામાં વહી જતા પાણીને રોકવાનું કાર્ય છે. જે ઓછા ખર્ચે કરીને પાણી રોકવાનો જળ સ્તરમાં લાભ થાય તે માટે હતા. બોરીબંધ વિશે વાહીયાત નિવેદન આપતા પહેલા વિપક્ષના નેતાઓ પોતાનું સામાન્ય જ્ઞાન ચકાસી લેવું જોઈએ. જાણે કે સિમેન્ટ કોંક્રીંગના બંધ હોય તેમ ભાજપને પડકાર ફેંકતા પહેલા કોંગ્રેસે બોરીબંધ અને સ્થાયી બંધના તફાવતને સમજી લેવાની જરૂર છે. જળ સંચયના ભાજપના આ રચનાત્મક કાર્યને જ્યારે પ્રજાએ સ્વિકાર્યું હોય ત્યારે તેમાં મદદ ન કરે તો કંઈ નહીં પરંતુ લોકહિતના આ જળ અભિયાનમાં કોંગ્રેસ અવરોધરૂપ ન બને તેમ જણાવ્યું હતું.
 
શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લોકોને પીવાના પાણી માટે પાંચ-પાંચ કિ.મી. ભટકવું પડતું હતું, તે પરેશભાઈ ધાનાણી અને કોંગ્રેસને શું ખબર નથી ? કોંગ્રેસના રાજમાં ૪,૫૦૦ ગામડામાં પીવાના પાણીના ટેન્કર અને તેમાં થયેલો ભ્રષ્ટાચાર શું કોંગ્રેસ ભૂલી ગઈ હશે, પરંતુ રાજ્યની પ્રજા આજે પણ ભૂલી નથી. ભાજપની સરકારોએ એશિયાની સૌથી મોટી પીવાના પાણીની પાઈપલાઈનના માળખા બિછાવીને સેંકડો કિ.મી. દૂર થી ૭,૫૦૦ ગામડાને નર્મદાનું પીવાનું પાણી આપ્યું છે.
 
શ્રી ઝડફીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જળ સંચયના કામોમાં ૧.૫ લાખ પાકા ચેકડેમો તથા નદીઓ પરના ચેકડેમો બનાવીને ભાજપાની સરકારોએ રેકર્ડ સ્થાપેલ છે. કોંગ્રેસે આ રાજ્યની જીવાદોરી નર્મદાના ડેમના દરવાજા ૮ વર્ષ સુધી ન ચડાવવા દીધા અને ખેડૂતોને પાણીથી વંચિત રાખ્યા તે બદલ રાજ્યની પ્રજાની માફી માંગવી જોઈએ.
 
અંતમાં શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાતની તરસી ધરા અને માનવીઓ માટે લોક ભાગીદારીથી શરૂ કર્યું છે. જેમાં અમારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીથી લઈને ભાજપના ચુંટાયેલા, સંગઠનના તમામ કાર્યકર્તાઓ ઉનાળાના ધોમ ધખતા તાપમાં તળાવના કામોમાં લોકોની પડખે ઉભા છે. જ્યારે કોંગ્રેસે માત્રને માત્ર ખોટા આક્ષેપો કરવા અને બોરીબંધ શું કહેવાય તેની પણ ખબર ન હોય તેમ બુદ્ધિનું પ્રદર્શન કરીને, રચનાત્મક કાર્યોનો પણ વિરોધ કરવાની આદત પડી ગઈ છે જેને પ્રજા સારી રીત ઓળખે છે. એટલે જ છેલ્લા ૨૨ વર્ષથી પ્રજાએ તેમને સત્તાથી દૂર રાખ્યા છે.

(7:45 pm IST)