Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

શૈલેષ ભટ્ટ સાથે રાજકીય માથુ છે, યોગ્ય સમય ઉપર ઘટસ્ફોટ

સીઆઇડી ક્રાઇમને પત્રો લખી કોટડિયાના તમાશાઃ સીઆઇડી ક્રાઇમે કોટડિયાનું લોકેશન શોધ્યું છે : કોઇપણ સમયે ધરપકડના સંકેતો : પોતે શરણાગતિ સ્વીકારી શકે

અમદાવાદ,તા. ૯, ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બીટકોઇન કૌભાંડમાં રોજેરોજ નવા ખુલાસા અને ટર્નિંગ પોઇન્ટ સામે આવી રહ્યા છે. એકબાજુ, સીઆઇડી  ક્રાઇમે આ કેસમાં નાસતા ફરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનું લોકેશન શોધી કાઢી તેમને ગમે તે ઘડીયે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, તો બીજીબાજુ, કોટડિયા ખુદ એક પછી એક પત્રો અને ફેક્સ પાઠવી પોતાની વાત સીઆઈડી ક્રાઇમને કહેવા માંગે છે તેવો તમાશો કરી રહ્યા છે. બિટકોઈન કૌભાંડ પ્રકરણમાં નલિન કોટડિયાએ વધુ એક પત્ર મોકલી પોતાની હત્યા થવાની દહેશત વ્યક્ત કરી છે. તો સાથે સાથે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે, આ કેસના મૂળ ફરિયાદી શૈલેષ ભટ્ટ સાથે રાજકીય મોટું માથુ સંકળાયેલું છે. તેમનું નામ તે વખત આવે જાહેર કરશે. તેમને સમાજ સજા કરશે. કોટડિયા તા.૧૨મીએ સામેથી સીઆઇડી સમક્ષ હાજર થશે તેવો પણ દાવો કરી રહ્યા છે. જો કે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે સીઆઇડી ક્રાઇમે તેની તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. આ સમગ્ર કેસમાં હાલ સીઆઈડી ક્રાઇમ ડિજિટલ વોલેટ ચકાસી રહી છે. જેમાં આજે સીઆઇડી ક્રાઇમે કિરીટ પાલડીયાનું વોલેટ ખોલ્યું હતું. જેમાં ૧૨૦ બીટકોઇન મળી આવ્યા છે. જેની આજની કિંમત અંદાજે ૭.૫ કરોડ રૂપિયા થાય છે. હજી સુધી ૨૩ બીટકોઇનની કોઇ કડી મળી નથી. પરંતુ આ સમગ્ર મામલે નલિન કોટડીયા વધુ જાણવા હોવાની વિગતો સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. બીજીબાજુ, નલિન કોટડિયાએ આજે વધુ એક પત્ર સીઆઇડી ક્રાઇમને પાઠવી તેમાં પોતાની હત્યા થવાની દહેશત વ્યકત કરી છે. તેમણે નાનકુભાઈ પાસેથી આંગડિયામાં મોકલેલા નાણાં તેમણે એક મિલકત વેચી તેના હોવાનો ખુલાસો કર્યો હતો અને તે અંગેના પુરાવા ટૂંક સમયમાં રજૂ કરવાની તત્પરતા બતાવી હતી. તો, તેઓ તા.૧૨મીએ સામેથી તપાસનીશ એજન્સી સમક્ષ હાજર થશે તેવો દાવો પણ કર્યાે હતો. કોટડિયાએ પત્રમાં ફરી એકવાર ફરિયાદી શૈલેષ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, શૈલેષ ભટ્ટ સાથે રાજકીય મોટું માથુ સંકળાયેલું છે. તેમનું નામ તે વખત આવે જાહેર કરશે. તેમને સમાજ સજા કરશે. શૈલેષ ભટ્ટ સાથે સંડાવેયલા રાજકીય મોટા માથાનું નામ યોગ્ય સમયે જાહેર કરવાની કોટડિયાની ચીમકીને પગલે બિટકોઇન કૌભાંડમાં હવે રાજકારણ ગરમાયું છે.

(10:14 pm IST)