Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જળ સંચયનું અભિયાન જન અભિયાન બન્યું છે : રૂપાણી

ઓડ ગામનું તળાવ ઉંડુ કરવાનો પ્રારંભ થયોઃ હવે જળ અભિયાન ગુજરાતને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ અપાવનારુ અભિયાન બનશે : રૂપાણીને વિશ્વાસ

અમદાવાદ,તા.૯, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાતને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ અપાવનારૂ જન અભિયાન બની રહેશે તેનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદ જિલ્લાના ઓડ ગામે આ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, આ જળસંચય અભિયાન ૧૦૦ ટકા જનભાગીદારીથી હાથ ધરાઈ રહ્યું છે. તળાવો ઊંડા કરવાની જે માટી નીકળે છે તેની કોઈ જ રોયલ્ટી સરકાર લેશે નહિં એવો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યભરમાં ૧૩૦૦૦ તળાવો ઊંડા કરવાનું તેમજ ૩૨ નદીઓ પુનઃજીવીત કરવાનું સૌથી મોટુ જળસંચય અભિયાન દેશભરમાં ગુજરાતની આ સરકારે ઊપાડ્યું છે. આ અભિયાનથી ૧૧૦૦૦ લાખ ઘનફુટથી વધુ પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે. મુખ્યમંત્રીએ જળસંચયના આ અભિયાનને રાજ્યના લોકો તન મન અને ધનથી તેમજ ઉત્સાહથી સહકાર આપી રહ્યા છે તે માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જળસંચયના આ અભિયાન માટે પોતાના એક દિવસના પગાર પેટે રૂપિયા ૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી અર્પણ કર્યો હતો. આ ચેકનો સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ કર્મચારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્ય બીજાને પ્રેરણાદાયી બની રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદની ખારીકટ કેનાલમાંથી રોજનો ૧૦૦૦ ટન કચરાનો નિકાલ કરી સ્વચ્છ કરવામાં આવી રહી છે. તેમજ સ્વચ્છતા માટે ૪૦૦૦થી વધુ કચરા ટોપલીનું વિતરણ કરાયું છે ત્યારે આપણું ગામ અને શહેર સ્વચ્છ રહે તેની જવાબદારી સ્વયંમ ઉપાડી લઈયે. ધારાસભ્ય બાબુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે રાજ્ય સરકારના જળસંચયના આ અભિયાનમાં સૌને ભાગીદાર બનવા અપીલ કરી હતી. આ જળ સંચયના કાર્યક્રમમાં ૧૦૮ ટ્રેક્ટરની પરેડ કરવામાં આવી હતી. તેમજ ઓડ ગામની બહેનોની પાણીના બેડાથી મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

(10:14 pm IST)