Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧૫૦૦થી પણ વધુ યુવાનોને એપ્રેન્ટીસશીપ હેઠળ મુકાયા

બાપુનગરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ ભરતી મેળોઃ બેરાજગાર યુવાનો માટે કારકિર્દી બનાવવા એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના એક તક : ઉદ્યોગ કમિશનર મમતા વર્મા

અમદાવાદ,તા. ૯,  શહેરના બાપુનગર વિસ્તારમાં શ્રી ડી.એન.પટેલ પોલીટેકનીક એજયુકેશન ટ્રસ્ટ અને હરદાસબાપુ પટેલ સમાજકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ ખાસ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજયના ઉદ્યોગ કમિશનર મમતાબહેન વર્મા(આઇએએસ), ઠક્કરબાપાનગરના ધારાસભ્ય  વલ્લભ કાકડિયા, ડી.એન.પટેલ પોલીટેકનીક સંસ્થાના પ્રિન્સીપાલ અને ચેરમેન દિપક ચૌહાણ, રોજગાર અને તાલીમ વિભાગના નાયબ નિયામક વિજય વર્ગીસ સહિતના મહાનુભાવોએ કર્યું હતું. આ પ્રસંગે રાજયના ઉદ્યોગ કમિશનર મમતાબહેન વર્માએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યુવાનોને રોજગારી અને તાલીમ માટે એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અમલી બનાવી છે, જે બેરોજગાર યુવાનોને તેમની કારકિર્દી બનાવવા માટે જીવનમાં સોનેરી તક સમાન છે. જે પ્રકારે ગુજરાતનો અને ભારતનો વિકાસ થઇ રહ્યો છે તે જોતાં યુવાનો માટે હવે વિવિધ ક્ષેત્રોમાં નોકરી અને રોજગારની બહુ વિપુલ તકો રહેલી છે. બસ યુવાનોએ તેમનામાં રહેલી ક્ષમતાઓ ઓળખીને પોતાના આત્મવિશ્વાસને જગાવવાની જરૂર છે. તેમણે યુવાનોને ખાસ સંદેશો આપતાં ઉમેર્યું કે, તમે નોકરી કે તાલીમમાં જે કંઇ પણ શીખો કે કાર્ય કરો તે પૂરા દિલથી અને ધગશથી કરો, તેના થકી એક દિવસમાં તમે સફળતાના શિખરો સર કરી શકશો. ઉદ્યોગ કમિશનર મમતાબહેન વર્મા(આઇએએસ)એ જણાવ્યું હતું કે, સરકારની આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૨૨ જેટલા ભરતી મેળા યોજાયા છે, રાજયભરમાં જુદા જુદા સ્થળોએ આ મેળાનું આયોજન ચાલુ જ છે અને ભવિષ્યમાં વધુ મેળા પણ યોજાવાના છે. અમદાવાદ જિલ્લામાં આ યોજના હેઠળ  અત્યારસુધીમાં ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા યુવાનોને એપ્રેન્ટીસશીપમાં લગાડી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે રોજગાર અને તાલીમ વિભાગ, અમદાવાદના નાયબ નિયામક વિજય વર્ગીસે જણાવ્યું હતું કે, કોઇપણ કામ નાનું હોતું નથી. કારકિર્દીની શરૂઆત હંમેશા નાના કાર્યથી જ શરૂ થતી હોય છે, તેનાથી ગભરાવાની કે સંકોચ રાખવાની જરૂર નથી. કોઇપણ કામ કરવામાં શરમ કે સંકોચ ના અનુભવો. આજના તમે યુવાનો દેશનું ભવિષ્ય છો અને તમારામાં અખૂટ શકિત અને ક્ષમતાઓ પડેલી છે, તેને ઓળખો. આજના આધુનિક અને વિકાસશીલ જમાનામાં ભણતરની સાથે સાથે કૌશલ્યની અને તાલીમની પણ એટલી જ અનિવાર્યતા છે. કૌશલ્ય કે તાલીમ પામેલ યુવાન કયારેય બેરોજગાર નહી હોય. તમે એવું વિચારશો કે, આ કામ નાનું છે અને તેમાં પૈસા નથી તો, તમારી પ્રગતિ ત્યારે જ રૃંધાઇ જશે પરંતુ એ કામ શીખતા શીખતા જીવનમાં તમે આગળ વધશો તો તમારી કારકિર્દી ઘડાવાની સાથે સાથે તમે એક દિવસ સફળતાના શિખરે પહોંચી જશો. દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ પણ આજના ઝડપી વિકસતા યુગમાં તાલીમ અને કૌશલ્યની ભારે ડિમાન્ડ હોવાથી સરકારની આ એપ્રેન્ટીસશીપ યોજનાનો મહત્તમ લાભ લેવા યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, યુવક-યુવતીઓ માટે સરકારની આ યોજના એક આશીર્વાદ સમાન છે કે જેનાથી તેઓ પોતાની કારકિર્દી બનાવી શકે છે. ડી.એન.પટેલ પોલીટેકનીક સંસ્થાના પ્રિન્સીપાલ અને ચેરમેન દિપકભાઇ ચૌહાણ દ્વારા એપ્રેન્ટીસશીપ ભરતી મેળામાં ઉપસ્થિત ૫૦૦થી વધુ યુવક-યુવતીઓને સરકારની યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સોશ્યલ ફુટપ્રિંટ-નેશનલ સીએસઆર એવોર્ડ અને સમિત-૨૦૧૮ના ઉપક્રમે તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં ડી.એન.પટેલ પોલીટેકનીક એજયુકેશનલ ટ્રસ્ટને ૨૦૧૮નો વોકેશનલ ટ્રેનીંગનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રસંગે સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટના કેન્દ્રીયમંત્રી ક્રિશ્નન પાલ ગજજરના હસ્તે ડી.એન.પટેલ પોલીટેકનીકના પ્રિન્સીપાલ દિપકભાઇ ચૌહાણ અને તેમની પત્નીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના મેળા દરમ્યાન જીએનએફસી, નીમ ફર્ટિલાઇઝર સહિતના ઉદ્યોગએકમોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

(10:18 pm IST)