Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમદાવાદમાં કોરોના કાબુમાં ન આવે ત્યાં સુધી પાનના ગલ્લા- ચાની કીટલીઓ બંધ રાખવા નિર્ણંય : મનપાની 7 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી

કેટલીક જગ્યાએ સાથ સહકાર આપી જાતે જ દુકાનો બંધ કરી તો ક્યાંક ઘર્ષણ પણ થયું

અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. AMCએ જાતે જ શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓને બંધ કરાવી હતી.AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 7 ઝોનમાં અલગ અલગ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પાન મસાલા એસોસિએશને રાજ્યમાં શનિવાર-રવિવારે પાનના ગલ્લા બંધ રાખવા અનુરોધ કર્યો હતો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારમાં જઇને પાનની દુકાનોને બંધ કરાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ અચાનક જ AMCની ટીમ પહોચતા ઘર્ષણ પણ થયુ હતુ. અમદાવાદના રાણીપ, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારમાં પાનની દુકાનો બંધ કરાવવામાં આવી હતી

અમદાવાદમાં પાનના ગલ્લાઓ પર અવાર નવાર મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે. અમદાવાદ મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગ રૂપે શહેરના અનેક વિસ્તારમાં ચાલતા પાનના ગલ્લાને બંધ કરાવ્યા હતા. જોકે, પાનના ગલ્લા ચલાવનારાઓએ કેટલીક જગ્યાએ સાથ સહકાર આપ્યો હતો અને પોતાની જાતે જ દુકાનો બંધ કરી હતી

ગુજરાત પાન મસાલા ઓસોસિએશને તમામ રાજયમાં શનિ અને રવિવારના રોજ ગલ્લાઓ બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે.રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ આજે પાન મસાલા એસોસિએશન દ્વારા ગુજરાતના તમામ પાનના ગલ્લાઓ શનિ અને રવિવારના રોજ બંધ રાખવા માટે લીધો છે. જો કે, હાલ રાજયમાં કોરોના વાયરસની સ્થિતિ ઘણી ભયજનક થતી જઈ રહી છે. જેથી હોસ્પિટલો પણ હવે ફુલ થવા લાગ્યા છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે

(7:09 pm IST)