Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

નડિયાદમાં રાત્રી કર્ફ્યુ કડક રીતે અમલમાં મુકવામાં આવતા ફૂટપાથો પર રહેતો ગરીબ વર્ગ રઝળી પડ્યો:સેંકડો લોકોની હાલત કફોડી

ખેડા:જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં એક તરફ રાત્રી કરફ્યુની કડક અમલવારી જોવા મળી રહી છે તો બીજી તરફ તેના કારણે ફૂટપાથો પર રહેતો ગરીબ વર્ગ રઝળી પડયો છે. શહેરના અનેક વિસ્તારો રૈનબસેરાની જેમ બેઘરો માટે રાત્રીરોકાણનું સ્થળ બનતા હતા તે છીનાવઈ જતાં સેંકડો લોકોની હાલત કફોડી થઈ હોવાનું જોવા મળે છે. શહેરમાં ૨૦૦થી ૪૦૦ લોકો ફૂટપાથો પર જીવન વીતાવી રહ્યા છે, તેમની સૌથી ખરાબ થઈ છે.

નડિયાદમાં આવેલા સંતરામ રોડ, બસસ્ટેશન રોડ, રેલવે સ્ટેશન વિસ્તાર, ગંજ બજાર, વાણિયાવાડ સર્કલ, મીશન રોડ વગેરે અનેક વિસ્તારોની ફૂટપાથો રાતે બેઘર લોકોના આશ્રય માટેનું સ્થાન બની જતી હોય છે. કોરોનાના પહેલા લોકડાઉનમાં પણ આ વિસ્તારોની ફૂટપાથ પર રહેતા લોકોની હાલત કફોડી થઈ હતી. દિવસ દરમિયાન મળે તે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા આ લોકો સામાન્ય સંજોગોમાં રાતે શહેરની સડકો પર, સ્ટેશન રોડના બાંકડા પર કે સંતરામ રોડ-મીશન રોડ પરની ફૂટપાથો પર સૂઈને વીતાવી લેતા હોય છે. જોકે હાલના સંજોગોમાં રાત્રીકરફ્યુ અમલમાં હોવાથી ગરીબ વર્ગના આ બેઘર લોકોની રાતો હરામ થઈ ગઈ છે.

(4:47 pm IST)