Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વડોદરામાં ફૂટપાથ પર સુઈ રહેલ શ્રમજીવી પરિવારની વૃદ્ધાને કાર ચાલકે કચડી નાખતા કમકમાટીભર્યું મોત

વડોદરા: મોડીરાતે રેસકોર્સ નજીક ફૂટપાથ પર સુઇ રહેલા શ્રમજીવી પરિવારની વૃદ્ધા  પર કારચાલકે કાર ચડાવી દેતા વૃદ્ધાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.જ્યારે પરિવારની યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ગોત્રી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભાગી છૂટેલા કારચાલકની કારનો નંબર  મેળવવાના  પ્રયાસો શરૃ કર્યા છે.

રેસકોર્સ સરકારી વસાહતના ગેટ  પાસે ફૂટપાથ પર,વડના ઝાડની નીચે રહેતા અને છૂટક મજૂરી કરતા રાજુ શનાભાઇ દંતાણીએ પોલીસને જણાવ્યુ હતું કે,હું મારા પરિવાર સાથે રહુ છુ.અને ત્રણ પૈંડાવાળી સાયકલ ચલાવુ છું.હું અને મારી પત્ની અલકાપુરી ખાતે ફુગ્ગા તથા રમકડા વેચીએ છે.મારા માતા સોમીબેન પણ અમારી સાથે રહે છે.

ગઇકાલે રાતે અગિયાર વાગ્યે હું અને મારા પરિવારના સભ્યો ઝાડ નીચે જમવા બેઠા હતા.મારી માતા તથા બહેન વડના ઝાડના નીચે ફુટપાથ પર સુતા હતા.અને મારી સાયકલ ફૂટપાથની નજીક પાર્ક કરી હતી.રાતે સવા અગિયાર વાગ્યે એક સફેદ કલરની કાર અલકાપુરી સર્કીટ હાઉસ તરફથી પૂરઝડપે આવી હતી.અને સાયકલને ટક્કર મારતા સાયકલ ઉછળીને પડી  હતી.તે ઉપરાંત મારી માતાને માથાના ભાગે અથાડી ગંભીર ઇજા પહોંચાડતા તે બેભાન થઇ ગયા હતા.અને મારી બહેનને માથાના જમણા ભાગે ઇજા પહોેચાડતા તેને લોહી નીકળવા લાગ્યુ હતુ. ત્યારબાદ કારચાલકે પોતાની કાર રિવર્સમાં લઇ અલકાપુરી  સર્કીટ હાઉસ તરફ ભાગી ગયો હતો.અમે તેનો પીછો કરતા તે ગાડી પલટાવીને રોંગસાઇડ ભાગી ગયો હતો.અકસ્માતના પગલે લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતુ.અને મારા મમ્મીને એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેમનું મોત થયુ હોવાનુ જણાવ્યુ હતું.મારી બહેનને સારવાર માટે ગોત્રી  હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવી છે.

(4:42 pm IST)