Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વડોદરા પાલિકાના આશાવર્કરના બંને બહેનો પોતાની 2 અને 6 વર્ષની પુત્રીઓને સાથે રાખીને બજાવે છે કોરોનાની ફરજઃ ભગવાન બાળકોની રક્ષા કરશે તેવી લાગણી

વડોદરા: વડોદરામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ કોર્પોરેશને સંજીવની અભિયાનની શરૂઆત કરી છે. સંજીવની અભિયાનમાં એક આશા વર્કર મહિલા પોતાના નાના બાળકોને સાથે રાખી ફરજ બજાવી રહી છે. નાના બાળકોને સાથે રાખી ફરજ બજાવતા મહિલા કર્મચારીને ખૂબ ડર લાગે છે, છતાં ઘરે કોઈ બાળકોની સંભાળ રાખનાર ના હોવાથી મહિલા કર્મચારીને બાળકોને સાથે રાખી ફરજ બજાવવી પડી રહી છે.

વડોદરા પાલિકાએ હોમ આઇસોલેટ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની દેખરેખ રાખવા સંજીવની અભિયાન શરૂ કર્યું છે, જેમાં શહેરમાં તમામ ચાર ઝોનમાં 216 ટીમો બનાવી છે, જે કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરે જઈ 10 દિવસ સુધી ઓક્સિજન, પલ્સ અને બીપીની તપાસ કરે છે. આવી જ કામગીરી શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર પર ફરજ બજાવતા ભાવના કોલવીન પણ કરે છે. ભાવનાબેન 8 મહિના પહેલા કોન્ટ્રાક્ટ પર પાલિકામાં આશાવર્કરની નોકરી પર લાગ્યા હતા. જેમને સંજીવની અભિયાનની ટીમમાં કામગીરી સોંપવામાં આવી છે. તેઓ પોતાની 2 અને 6 વર્ષની બાળકીને સાથે રાખી ફરજ બજાવી રહ્યા છે.

ભાવનાબેન સંજીવની અભિયાનની કારમાં પોતાની બાળકીઓને સાથે રાખી ફરે છે, તેઓ હોમ આઇસોલેટ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓની તપાસ કરીને આવ્યા બાદ ખાસ કાળજી રાખે છે. સૌપ્રથમ પોતાના હાથ સેનેટાઈઝ કરે છે, બાદમાં બાળકીઓના હાથ સેનેટાઈઝ કરે છે. ત્યારબાદ જ બાળકીઓને હાથ લગાવે છે.

ભાવના કોલવીન કહે છે કે બાળકોને સાથે રાખી કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરે જતાં સમયે ખૂબ ડર લાગે છે. મારા ઘરે બાળકીઓની સંભાળ રાખનાર કોઈ નથી એટલે બાળકીઓને સાથે લઈ કામ કરવાની ફરજ પડી છે. એક માતા અને એક કર્મચારી બંનેની ફરજ હું નિભાવી રહું છું. બાળકીઓને કોરોના થઈ જશે તેઓ ડર લાગ્યા કરે છે પરંતુ મારા ભગવાન મારી બાળકીઓની રક્ષા કરશે તેવો મને વિશ્વાસ છે. ભાવનાબેન સાથે જ કહે છે કે આટલી રિસ્કી નોકરી કરી રહ્યા છે છતાં અમારો પગાર ખૂબ ઓછો છે, તંત્ર પગારમાં વધારો કરે તો અમને વધુ પ્રોત્સાહન મળી રહેશે. 

(4:35 pm IST)