Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતમાં લોકો માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળે, કોરોનાની બીજી લહેર ગંભીરઃ બંછાનીધી પાની

કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરવા મ્યુનિસીપલ કમિશ્નરની અપીલ

રાજકોટ, તા., ૧૦: સુરતમાં લોકો માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળે અને કોરોનાની બીજી લહેર ગંભીર છે તેમ મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ સોશ્યલ મીડીયામાં સંદેશ વાયરલ કરીને લોકોને કોવીડ ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ કરી છે.

મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ  વધુમાં જણાવ્યું છે કે સુરતમાં સંક્રમણ વધુ છે અને લોકો માસ્ક વગર એક પણ મીનીટ બહાર ન નીકળે અને એક મીનીટ માટે માસ્ક ન ખોલવુ જોઇએ.

આ વખતની લહેર વધુ ગંભીર છે. નવા કોરોના સ્ટ્રેનમાં બે દિવસમાં જ વાયરસ શરીરમાં પ્રવેશી જાય છે તેનાથી ખુબ જ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતી છે.

બંછાનીધી પાનીએ વધુમાં જણાવ્યું કે ઘરની બહાર નીકળો ત્યારે અચુક માસ્ક પહેરો કારણ કે તમને મળનાર વ્યકિત પોઝીટીવ પણ હોય શકે છે. પરીવાર સિવાય કોઇને પણ મળવાનું ટાળવું જોઇએ.

બંછાનીધી પાનીએ વધુમાં જણાવ્યું છે કે ઇસ્ટ ઝોન બીના વિસ્તારો વરાછા, સરથાણા સહીતના વિસ્તારોમાં સંક્રમણ વધુ છે. આ ઉપરાંત પાલનપોર, જહાંગપુરા, ડભોલી, અમરોલી, ઉઘના, લીંબાયત સહીતના વિસ્તારોમાં પણ સંક્રમણ વધુ છે.

બંછાનીધી પાનીએ વધુમાં જણાવ્યું કે કોરોના પોઝીટીવ દર્દીએ કવોરન્ટાઇનો પીરીયડ પુર્ણ કરીને જરૂર હોય તો જ બહાર નીકળવું જોઇએ.

આ ઉપરાંત કોવીડ ગાઇડ લાઇનનું પાલન ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી મ્યુનીશીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ આપી છે.

(4:13 pm IST)