Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અભિનેત્રી મમતા સોનીના ઠુમકા પર નાચ્યાં લોકો : માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા : ગુનો દાખલ

વડોદરાના પાદરમાં ફારૂક મલેકની દીકરીના લગ્નમાં ૪૦૦ માણસો ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા કરાયેલ

વડોદરા,તા. ૧૦ :  રાજ્યમાં કોરોનાના વધતા આંકડાએ ચિંતાજનક સ્થિતિ બનાવી છે. એકતરફ સરકાર લોકોને અપીલ કરી રહી છે કે, કામ વગર ઘરની બહાર ન નીકળશો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરો. ત્યારે બીજી તરફ એવા પણ કેટલાક લોકો છે જેમને કોરોનાના વધતા આંકડાથી, વધતા મૃતઆંકથી કોઇ લેવા દેવા જ નથી. આવો જ એક કિસ્સો વડોદરાના  પાદરામાં બન્યો છે. પાદરાના ટાવર રોડ પર રહેતા ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં ૪૦૦ માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા થયા હતા. જ્યાં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ન તો માસ્ક પહેર્યા હતા ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. પાદરા પોલીસે સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

સામાન્ય રીતે લગ્નમાં ૧૦૦ લોકોને જ બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વડોદરાના પાદરામાં લગ્નના દ્રશ્યો જ કાંઇક અલગ હતા. પાદરાના લગ્નમાં ગાઇડલાઇનના લીરે લીરા ઉડ્યા હતા. ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં ૪૦૦ માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા થયા હતા. ગુજરાતી અભિનેત્રી મમતા સોનીએ લગ્નની પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કર્યો હતો. તેની પર ચાલુ ડાન્સમાં લોકો રૂપિયાનો વરસાદ પણ કરી રહ્યાં હતા. આ સમયે ૪૦૦ લોકો ઉપસ્થિત હતા. તેમજ તેમણે કોરોનાના નિયમો પાળ્યા ન હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યાં છે. જોકે, પાદરા પોલીસે સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

પાદરા પોલીસે મ્યુઝિકલ પાર્ટીમાં માસ્ક વગર આવેલા ૧૫ લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા ૧૦૦૦ પ્રમાણે ૧૫૦૦૦ હજારનો દંડ વસૂલ કર્યો હતો. તે સાથે મ્યુઝિકલ પાર્ટીના આયોજક ફારૂકભાઇ મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(2:56 pm IST)