Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં લેવા વાલીઓની માગ

રાજ્યમાં કુદકેને ભૂસ્કે વધતા કેસને ધ્યાને રાખી : ઓલ ગુજરાત વાલી મંડળે પત્ર લખીને સીએમ રૂપાણીને રજૂઆત કરી : ધો. ૯ અને ૧૧ના મુખ્ય ત્રણ વિષયોની પરીક્ષા ઓનલાઇન લેવા રજૂઆત

અમદાવાદ તા. ૧૦ : રાજયમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન લઈને બાકીના વિષયો ગુણ પ્રથમ સત્રાંતના મૂલ્યાંકન પરથી આપી દેવાની રજૂઆત કરી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સંક્રમણ હજી વધશે તેવી ભીતિને પગલે બોર્ડની પરીક્ષા પાછળ ઠેલવા માગ કરવામાં આવી છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને પરિસ્થિતિ વિકટ છે. મૃત્યુદર દિવસે ને દિવસે વધતો જાય છે. જેને જોતાં હાલમાં ૧૦ મેથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા સ્કૂલનો સ્ટાફ સંક્રમિત થાય તેવી દહેશત છે.

બીજી લહેરમાં કોરોના બાળકોને શિકાર બનાવી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં પિડીયાટ્રિક વોર્ડ ઊભો કરવાની ફરજ પડી રહી છે. જેથી વાલી મંડળની માગણી છે કે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા જૂન માસમાં લેવામાં આવે. ઉપરાંત વૈકલ્પિક વિષયોની પરીક્ષા પણ બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં જ જૂન માસમાં લેવામાં આવવી જોઈએ. દર વર્ષે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવામાં આવે છે ત્યારે આ વખતે પણ દરેક વિદ્યાર્થીઓને રહેમ રાહે પાસ કરી દેવામાં અને કોઈ બાળકનું ભવિષ્ય ન બગડે તે માટે પણ વાલી મંડળે રજૂઆત કરી છે.

ઉપરાંત ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને પ્રથમ સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકનને આધારે ગુણ આપીને પરિણામ જાહેર કરવામાં આવે અને બાળકોને ઉત્તીર્ણ કરીને આગળના ધોરણમાં લઈ જવામાં આવે, તેવી પણ રજૂઆત થઈ છે. ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષય- અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા ઓનલાઈન લઈ લેવામાં આવે તેવી માગણી કરી છે. પ્રથમ સત્રાંતના મૂલ્યાંકનના આધારે અન્ય વિષયોમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાની ભલામણ પણ વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.

(10:17 am IST)
  • મુંબઈની દુકાનમાંથી રેમડેસીવીરનો મોટો જથ્થો ઝડપાયોઃ બેની ધરપકડ : મહારાષ્ટ્ર મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંધેરીની એક દુકાનમાંથી ૨૩૦ જેટલા રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો કબ્જે કર્યો હતોઃ જે બ્લેક માર્કેટિંગ કરવા માટે રાખવામાં આવ્યાનું પોલીસ જણાવે છેઃ આ સંદર્ભે બે લોકોની ધરપકડ કરવામાં આવી છેઃ વિશેષ પૂછપરછ થઈ રહી છે access_time 2:51 pm IST

  • તેલંગણાની વીમા તબીબી સેવા અને રાજ્ય કર્મચારી વીમા વિભાગ સાથે સંકળાયેલા રૂ. 200 કરોડના કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે હૈદરાબાદમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આશરે 3 કરોડની રોકડ, આશરે 1 કરોડની કિંમતના ઝવેરાત, કોરા ચેક, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અને બેંકોના ઘણા લોકરો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ દરોડા એક પૂર્વ પ્રધાન અને તેના અંગત સહાયકના સબંધીઓ પર પણ પાડવામાં આવ્યા હતા. access_time 11:56 pm IST

  • ભારત વિશ્વમાં 10 કરોડ રસીઓ વહન કરનાર સૌથી ઝડપી દેશ બની ગયો છે. કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનના 85 માં દિવસે શનિવારે ભારતે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેરિકાને આટલી રસી લાવવામાં 89 અને ચીનને 102 દિવસનો સમય લાગ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલય મુજબ, દૈનિક રસીકરણના મામલામાં ભારત ટોચ પર છે. access_time 12:22 am IST