Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નાગરવાડામાં શ્રેણીબદ્ધ કેસો સપાટીએ : તંત્ર ચિંતાતુર થયું

નાગરવાડાને રેડ ઝોન જાહેર કરવાની ફરજ : તાંદલજા વિસ્તારને પતરા લગાવી સીલ કરવા માટે નિર્ણય

અમદાવાદ,તા. ૧૦ : કોરોનાની વકરતી જતી ગંભીર સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં આજે વધુ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા ૪૭ થઇ ગઇ છે. આજે નોંધાયેલા ૮ પૈકી ૭ નાગરવાડા વિસ્તારના છે અને એક કેસ આજવા રોડ પર આવેલી બહાર કોલોની હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીના ૪૭ કેસો પૈકી નાગરવાડા વિસ્તારના ૩૬ કેસો નોંધાયા છે. આમ નાગરવાડા વિસ્તાર હોટસ્પોટ બની ગયો છે. નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબ સાદ અહેમદહુસેન શેખના સંપર્કમાં આવેલા ૨૮ દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને જે લોકો આ તબીબના સંપર્કમાં અવ્યા હોય તેમને તંત્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે અને તેના માટે મહાનગરપાલિકાએ ટોલ ફ્રી નં-૧૮૦૦૨૩૩૦૨૬૫ પણ જાહેર કર્યો છે.

        કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઇ વડોદરાના નાગરવાડા અને તાંદલજાને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયો છે. રેડ ઝોન તાંદલજામાં ડીસીપી ઝોન-૨ સંદિપ ચૌધરીની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. તાંદલજા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી ઝોન-૨ સંદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, તાંદલજાના તમામ ૧૯ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને સીલ કરાયા છે. લોકોને બહાર અવરજવર કરવા દેવામાં આવતી નથી. નાગરિકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે, તંત્ર તમામ વ્યવસ્થા પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, નાગરવાડાના પોઝિટિવ તબીબ દર્દીનું તાંદલજા કનેક્શન બહાર આવ્યા બાદ તાંદળજાના વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. વડોદરામાં ક્લસ્ટર ઝોન નાગરવાડામાંથી ગુરૂવારે મોડી સાંજે વધુ ૧૭ નવા કેસ પોઝિટિવ આવ્યા છે.

        જ્યારે ગુરૂવારે સવારે એક ડોક્ટર સહિત ૪ પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ એક જ દિવસમાં વડોદરા શહેરમાં ૨૧ પોઝિટિવ નોંધાયા હતા. જયારે આજે ૮ વધુ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં કુલ પોઝિટિવ કેસ વધીને ૪૭ થઇ ગઇ છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં મોર્નિગ વોકમાં નીકળેલા ૮ લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર આવેલી દર્શનમ એન્ટીકા સોસાયટીમાં ટોળે વળીને બેઠેલા ૧૪ લોકો માસ્ક પહેર્યા વિના ફરતા હતા. પોલીસે આ ૧૪ લોકોની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી ધરી હતી. આમ, વડોદરામાં કોરોનાનો કહેર વકરતાં પોલીસે લોકડાઉનના ચુસ્ત અમલીકરણની પણ કાર્યવાહી હાથ ધરી છે.

(9:27 pm IST)