Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બાવળા હેલ્થ સેન્ટર ડોક્ટર પોઝિટિવ નિકળતા ચકચાર

દરિયાપુરમાં ડેપ્યુટેશન પર હતા ત્યાંથી કોરોનાગ્રસ્ત : મહિલા ડોકટર ડ્રાઇવર સહિત જે લોકોના સંપર્કમાં આવ્યા તે તમામને કવોરનટાઇન કરી દેવા માટેની તજવીજ જારી

અમદાવાદ,તા.૧૦ : કોરોના વાઇરસે હવે ગુજરાતને ભરડામાં લીધું છે, એક પછી એક નવા કેસ સામે આવી રહ્યાં છે, માત્ર અમદાવાદમાં જ ૧૫૩ લોકો કોરોના પોઝિટિવ છે, હવે ત્યારે લોકોની સારવાર કરનારા એક મહિલા ડોક્ટરને પણ કોરોના થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર અને તબીબી આલમ દોડતુ થઇ ગયુ છે. શહેરના બાવળા હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ડેપ્યુટેશન પર હતા, દરિયાપુરમાં કોરોનાના અનેક કેસ સામે આવ્યાં છે. તેથી આ મહિલા ડોકટર પણ દરિયાપુરમાંથી કોરોનાગ્રસ્ત બન્યા હોવાની વાત સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લાના બાવળાની હરિઓમ સોસાયટીમાં રહેતા મહિલા ડોક્ટરને હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

         સાથે જ તેઓ તેમના ડ્રાઇવર સહિત જે લોકોનાં સતત સંપર્કમાં હતા તે તમામ લોકોને ક્વોરોન્ટાઇન કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે, તેમની સોસાયટીમાં સેનેટાઇઝરનું કામ કરાયું છે અને લોકોને પણ એલર્ટ કરાયા છે. જો કે, મહિલા ડોકટર દર્દીઓની સેવા કરતાં કોરોનાગ્રસ્ત બનતાં તબીબીઆલમમાં તેમના પરત્વે સહાનુભૂતિ અને સંવેદનનાની લાગણી પ્રસરી હતી તો બીજીબાજુ, મહિલા ડોકટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સ્થાનિક આરોગ્ય તંત્ર અને અમ્યુકો તંત્રની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર પણ દોડતુ થયુ હતુ. બાવળાની તેમની સોસાયટી અને આસપાસના વિસ્તારને પણ સેનિટાઇઝ અને કવોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.

(9:25 pm IST)