Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના સંકટ : નર્મદા જિલ્લાના લોકો જાતેજ પગ પર કુહાડી મારે છે ?:અન્ય શહેરોમાંથી સંબંધીઓને બોલાવવા જોખમરૂપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાયરસને પગલે હાલ દેશમાં લોકડાઉન અમલી બનાવાયુ છે. નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ COVID-19 નો એક પણ પોઝીટીવ કેસ નથી, પરંતુ નર્મદાના આસપાસના જિલ્લાઓમાં જેવા કે છોટાઉદેપુર, વડોદરા, સુરતમાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાયેલ છે.તેવા સંજોગો માં નર્મદા ના લોકો જાતેજ પગ પર કુહાડો મારતા હોય તેમ તેમના સગા સંબંધીઓને આ શહેરો માંથી બોલાવી આગમાં ઘી નાખવા જેવું જોખમ લઈ રહ્યા છે.
નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના સંક્રમણને અટકાવી શકાય તે માટે આ જિલ્લાઓ માંથી નર્મદા જિલ્લામાં બિનજરૂરી અવરજવર પર કલેકટરે નિયંત્રણ મુક્યા છે. તેમ છતાં નર્મદા જિલ્લાના લોકો જે જિલ્લાઓમાં કોરોના કેસ વધુ છે એવા અમદાવાદ, વડોદરા, સુરત, બોડેલી સહિત અન્ય વિસ્તારોમાંથી પોતાના પરિવારજનોને નર્મદા જિલ્લામાં લાવે છે એવી વાત જિલ્લા તંત્રના ધ્યાનમાં આવી હોય ત્યારે આ બાબત ગંભીર અને જોખમી કહી શકાય તેવી છે.
આ બાબતેે નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.કશ્યપે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં અમુક લોકો વડોદરા, અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરો માંથી પોતાના પરિવારજનોને અહીંયા બોલાવતા હોવાની બાબત અમને જાણવા મળી છે. આમ કરવાથી નર્મદા જિલ્લાનું વાતાવરણ બગડવાની સંભાવનાઓ રહેલી છે. નર્મદા જિલ્લા પોલિસ અને આરોગ્ય વિભાગની વિવિધ ટિમો હાલ દરેક વિસ્તારોમા ફરી રહી છે.જો અમારા ધ્યાનમાં આવી વાત આવી તો અમે એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરતા ખચકાઈશુ નહી. નર્મદા જિલ્લા માંથી અન્ય જિલ્લામાં જવા અથવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર હાલ પ્રતિબંધ મુકાયો છે. હાલની પરિસ્થિતિ મુજબ લોકો લોકડાઉનનું પાલન કરે એ સૌના સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે.

(8:59 pm IST)