Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સુરા જમાતમાંથી ૧૦૯૫ લોકો રાજ્યમાં આવ્યા છે

જમાતના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૩ : ૧૩૦ લોકોની ઓળખ થયા બાદ તમામને ક્વોરનટાઈન કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરાઈ : પોલીસના વડા

અમદાવાદ, તા. ૧૦  : નિઝામુદ્દીન મરકઝના લોકોને લઇને ગુજરાતની સાથે સાથે દેશભરમાં પણ ભારે હોબાળો મચેલો છે. આના ભાગરુપે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજે પુરતી માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, મરકઝના કુલ હજુ સુધી ૧૩૦ લોકોની ઓળખ કરવામાં આવી છે જે પૈકી કુલ ૧૩ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં સુરા જમાતમાંથી ૧૦૯૫ લોકો આવ્યા હતા. દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ સંદર્ભે શ્રી ઝાએ ઉમેર્યું કે, ગઈકાલ સુધી ગુજરાતમાંથી ૧૨૭ નાગરિકો પકડાયા હતા જે મરકઝથી આવ્યા હતા. આજે અન્ય ત્રણ વ્યક્તિઓને ઓળખી લેવામાં આવ્યા છે જે ત્રણેય વ્યક્તિઓ ભાવનગરના છે. જે ત્રણમાંથી એકનો કેસ પોઝિટિવ આવ્યો છે.

               એટલે કે કુલ ૧૩૦ વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે જે તમામને કવોરંટાઈન કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરા જમાતમાંથી ૧૦૯૫ વ્યક્તિઓ ગુજરાતમાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે તે પૈકી મૂળ તમિલનાડુના ચાર વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જે ભરૂચમાં છે. સુરા જમાતના મરક્ઝથી આવેલા અન્ય વ્યક્તિઓના ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ છે. જમાત સાથે જોડાયેલા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ઓળખી કાઢવા માટેની તમામ પ્રક્રિયા ચાલી રહી છે. આના ભાગરુપે પોલીસ ટીમ ખુબ જ સંવેદનશીલ બનીને આગળ વધી રહી છે.

(8:56 pm IST)