Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારો : એક પોલીસકર્મી ઘાયલ : 12 લોકોની અટકાયત

જુહાપુરાના ગુલાબનગરમાં ટોળાને હટાવવા ગયેલ વેજલપુર પોલીસ પર ટોળાનો પથ્થરમારો : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 197 થઈ ગઈ છે. તેવામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યાં અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. પોલીસ પર થયેલ આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી છે. આ મામલે પોલીસે 12 લોકોની અટકાયત કરી છે

જુહાપુરાના ગુલાબનગરમાં ટોળાને હટાવવા માટે વેજલપુર પોલીસ ગઈ હતી. ત્યારે અહીં લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો. પોલીની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. ટોળાંએ કરેલાં આ પથ્થરમારાથી એક પોલીસ કર્મીને ઈજા પહોંચતી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જુહાપુરામાં પથ્થરમારાની ઘટના બનતાં જ સરખેજ પોલીસ તેમજ વેજલપુર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અને આ મામલે પોલીસે 12 જેટલાં લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.

(10:48 pm IST)