Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમદાવાદ: લોકડાઉનનો અમલ ન કરી પોલીસ પર પથ્થરમારો કરનાર લોકોના જામીન અદાલતે નામંજૂર કર્યા

અમદાવાદ: શહેરમાં કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉનના અમલીકરણ માટે ગોમતીપુર વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવાના કેસના આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટના જજ વિજયસિંહ એ. રાણાએ નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું છે કે લોકડાઉનનો અમલ કરાવી રહેલા પોલીસકર્મીને જીવલેણ ઇજાઓ પહોંચાડવાના કેસના આરોપીઓના જામીન મંજૂર કરવા એ અત્યારે વાજબી જણાઇ રહ્યું નથી.

પહેલી એપ્રિલના રોજ ગોમતીપુર વિસ્તારમાં લોકડાઉનનો અમલ કરાવવા પહોંચેલી પોલીસ પર કસાઇની ચાલી અને પૂજારીની ચાલીમાં વીસથી બાવીસ લોકોના ટોળાએ પથ્થરમારો અને હુમલો કર્યો હતો. ગોમતીપુર પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધી કેટલાંક આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકીના બે આરોપીઓ સાબીરહુસેન મોહમ્મદઅતીક અન્સારી અને મોહમ્મદ તહેસીલ અબ્દુલરહેમાન અંસારીએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

(6:10 pm IST)