Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પરમિટવાળી લીકર શોપ પણ બંધઃ પરમિટ ધારકોમાં બેચેની

શહેરના રસ્તાઓ પર પોલીસની સતત હાજરી હોવાથી ૮૦ ટકા દારૂની હેરફેર અટકી ગઈ છે

અમદાવાદ,તા.૧૦: લોકડાઉનના સમયમાં ડ્રાય ગુજરાત વધારે ડ્રાય બન્યું છે. બુધવારે જ બે વ્યકિતઓને એમ્બ્યુલન્સમાં દારૂ લઈ જતા નરોડા પોલીસે પકડી લીધા હતા. તેમણે કબૂલ્યું હતું કે, મેડિકલ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ દારૂની હેરફેર સેફ વ્હીકલ છે. જોકે આ સાથે જ પરમિટ હોલ્ડર્સની સ્થિતિ પર રાજયમાં ખરાબ થઈ રહી છે.

પરમિટ હોલ્ડર્સને દવા તરીકે પરમીટ શોપ્સમાંથી દારૂ નથી મળી રહ્યો. શહેરના પાલડીમાં રહેતા એક ૬૫ વર્ષના પરમિટ હોલ્ડર કહે છે, મને સ્વાસ્થ્યના કારણોથી દારૂનું પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. પરંતુ મને એકવાત નથી સમજાઈ રહી કે જો હું મેડિકલમાંથી દવાઓ ખરીદી શકું તો રાજય સરકાર લિકર સ્ટોરને બંધ કરીને મને દારૂ કેમ ખરીદવા દેતી નથી. આ વૃદ્ઘને મેડિકલ પ્રેકિટશનર પાસેથી નવું પ્રિસ્ક્રિપ્શન પણ મળ્યું છે.

શહેરના રસ્તાઓ પર પોલીસની સતત હાજરી હોવાથી ૮૦ ટકા દારૂની હેરફેર અટકી ગઈ છે. પરમિટ ધરાવતા લોકો માટે સ્થિતિ વધારે ખરાબ છે. રાજયના દારૂબંધી વિભાગે દારૂની દુકાનો બંધ કરવા માટેના કોઈ આદેશ આપ્યા નથી. તેમ છતાં જિલ્લા અધિકારીઓએ બધી દુકાનો અને તેની સાથે સંકળાયેલી રેસ્ટોરાં અને હોટલોને બંધ કરાવી દીધી છે.

પ્રોહિબિશન અને એકસાઈઝ વિભાગના ડિરેકટર સુનિલ કુમાર ઢોલીએ કહ્યું, અમે પરમિટ હોલ્ડરને દારૂ વેચવાનું બંધ કરવાના કોઈ આદેશ આપ્યા નથી. પરંતુ રાજયમાં આવેલી બધી લિકર શોપ્સ હોટલ સાથે જોડાયેલી છે અને હોટલને બંધ કરાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કોઈ ખાસ નિર્ણય લઈને કેટલીક શરતોને આધિન તેમને છૂટ આપવી જોઈએ. લિકર શોપ્સ ધરાવતા ઘણા હોટલ માલિકો પરમિટ હોલ્ડર્સ તરફથી ફોન આવતા હોવાનું સ્વીકારે છે. શહેરના એક હોટલ માલિકે કહ્યું, 'પરમિટ હોલ્ડર, ખાસ કરીને સીનિયર સિટિઝન મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરંતુ પ્રતિબંધોના કારણે અમે તેમને દારૂ નથી વેચી શકતા. આ અમારી રેવન્યૂને અસર કરે જ છે, સાથે પરમિટ હોલ્ડરને પણ અસર કરે છે.' હોટલ માલિકોનું એમ પણ કહેવું છે કે વિદેશી નાગરિકો ખાસ કરીને કોરિયા અને જાપાનથી આવેલા લોકો સાણંદમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

(3:56 pm IST)