Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વડોદરામાં ૧૭, અમદાવાદમાં ૧૧ કેસ વધ્યા : ગુજરાતમાં કુલ ૩૧૬

રાજ્યમાં એક દિ'માં કોરોનાના ૫૪ દર્દીઓનો વધારો : આજે બે મૃત્યુ, કુલ મોત ૧૯ : રાજકોટમાં ૫, ભાવનગર - ભરૂચમાં ૪-૪, પાટણ - કચ્છમાં ૨-૨, ગાંધીનગરમાં ૧ નવો કેસ : ૩૦ સાજા થઇ ગયા

ગાંધીનગર તા. ૧૦ : રાજ્યમાં દિવસેને દિવસે વધતા જતાં કોરોના વાયરસના કેસોથી સરકાર ખૂબ જ ચિંતિત બની છે. વધતા જતા કેસોની વિસ્તૃત વિગતો આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી જયંતિ રવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજની સ્થિતિએ કુલ ૩૧૬ પોઝીટીવ કેસો છે. કુલ મૃત્યુ ૧૯ થયા છે. ૫૪ કેસો આજે સવાર સુધી નવા આવ્યા છે. ૩૦ સારવાર પછી ઘરે ગયા છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ટીમો સતત કામગીરી ચાલી રહી છે. સરકારની ડ્રાઇવર કમિટિએ એકશન પ્લાન કરી ઘરે જઇ વ્યકિત દીઠ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી એકશન પ્લાન મુજબ રોજના એક હજાર ટેસ્ટ કરવાનું આયોજન છે. ૯૭૮ ટેસ્ટ કર્યા છે. ૬૭ કેસો પોઝીટીવ આપ્યા છે. જ્યારે ૬૩૫ નેગેટીવ છે. આજની સ્થિતિએ ૨૭૬ પેન્ડીંગ છે.

રાજ્યમાં નાગરિકોને ફરીથી સરકારની અપીલ છે. ભારત સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવો જેનાથી આપણે સુરક્ષિત રહી શકીશું. ઉપરાંત રાજ્ય સરકારના હેલ્પ લાઇન પર માર્ગદર્શન મેળવવાની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં જ્યો ટ્રાવેલ કરીને આવ્યા છે તેવા કેસોની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે.

આઇએમએ દ્વારા રાજ્ય સરકારને ગુજરાતમાં એક કમિટિ બનાવવાની માંગણી કરી છે અને આ કમિટિ દરરોજ જિલ્લાના કલેકટરો સાથે સતત સંપર્કમાં રહેશે અને દિવસ દિવસનો રીપોર્ટ આવશે. આ મેડિકલ એસોશીયેશનના તજજ્ઞ ડોકટરો છે. આ ડોકટરો ખૂબ જ અનુભવી છે. મેડિકલ ટીમ તપાસણી કરવા આવે ત્યારે તેને સાથ સહકાર આપવા વિનંતી છે. ભારત સરકાર પણ રાજ્ય સરકારને સતત મદદરૂપ બની રહી છે.

આજની તાજી સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ - ૧૫૩, સુરત - ૨૪, વડોદરા - ૩૯, રાજકોટ - ૧૮, ભાવનગર - ૨૨, ગાંધીનગર - ૧૪, મહેસાણા - ૨, પાટણ - ૧૪, જામનગર - ૧, મોરબી - ૧, પોરબંદર - ૩, ગીર સોમનાથ - ૨, છોટા ઉદેપુર - ૨, દાહોદ - ૧, કચ્છ-૪, સાબરકાંઠા - ૧, આણંદ - ૨નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભરૂચ ખાતે ૪ નવા કેસો આવ્યા છે. આજની સ્થિતિએ જ્યાં જ્યાં કેસ મળે છે ત્યાં તેના સંપર્કવાળા તમામ લોકોને લોકેટ કરી ચકાસણી કરવામાં આવે છે. સેમ્પલ લીધા પછી ૮૫ વર્ષથી ઉપરના શંકાસ્પદ હોય તેમને હોમ કોરોન્ટાઇલની મંજુરી આપવામાં આવશે. ઉપરાંત ઘરે રહેવાના હોય તો તેમણે પોતે નિયમોનું પાલન કરવાની ખાતરી આપવી પડશે.

(3:37 pm IST)