Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સેવાભાવીઓના સૂચન મુજબ સુરતના એસીપી જય પંડયાએ પોલીસ સ્ટાફ સાથે જે ૨૦૦ ભુખ્યાજનોની જઠારાઅગ્નિ ઠારી

લોકડાઉનનો ભંગ ન થાય, એ ૨૦૦ લોકો (શ્રમીકો) ભુખ્યા ન રહે તેવો રસ્તો મૂળ રાજકોટના પોલીસ અધિકારીએ શોધી કાઢયો : પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટ અને એડી. પોલીસ કમિશ્નર એચ. આર. મુલીયાણા પણ માનવતાના યજ્ઞમાં સહભાગી બન્યા

રાજકોટ, તા., ૧૦: કોરોના વાયરસ જેવી મહામારી સામે અન્ય લોકોના જીવ બચાવવા માટે પરીવારની પરવાહ કર્યા વગર રોડ ઉપર ૧ર-૧ર કલાક સુધી ફરજ બજાવી લોકડાઉનનો કડક અમલ કરાવતા  પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફનું લોકોને પ્રથમ વાર માનવતાનું એક અનોખુ રૂપ જોવા મળી રહયું છે. આનુ વધુ એક ઉદાહરણ બહાર આવ્યું છે.

મૂળ રાજકોટના વતની અને હાલ સુરતમાં મદદનીશ પોલીસ કમિશ્નર તરીકેે ફરજ બજાવતા જયકુમાર પંડયા પાસે એક પત્રકારે ૨૦૦  જેટલા શ્રમીકોને ભોજન પહોંચાડવા માટે એક સંસ્થા દ્વારા મદદ મંગાયાનું અને તે કાર્યમાં વાહન અડાજણ વિસ્તારથી સચીન વિસ્તાર સુધી પહોંચે તે માટે વ્યવસ્થા થઇ શકે ખરી તેવો પ્રશ્ન કર્યો.

ર૦૦ ભુખ્યાજનોની જઠારાઅગ્નિ ઠારવા જેવો માનવતાનો પ્રશ્ન હતો. બીજી તરફ કાયદાનો પણ ભંગ ન થાય તે જોવાનું હતું. આથી જયકુમાર પંડયાએ સુરતના પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને યોગાનુયોગ મૂળ રાજકોટના અને હાલ એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક) નો હવાલો ધરાવતા અધિકારી સાથે ચર્ચા કરી ઉકત બંન્ને માનવતાવાદી અધિકારીઓ દ્વારા ચર્ચા બાદ એવો નિર્ણય થયો કે વાહન જે જગ્યાએ છે ત્યાં ભલે રહયંુ. પોલીસને એ સ્થળનું લોકેશન આપો. પોલીસ ત્યાં જઇ તમામને ભોજન કરાવી આપશે અને આમ સુરતના મદદનીશ પોલીસ કમિશ્નર જયકુમાર પંડયા તથા અન્ય અધિકારીઓના  માનવતાવાદી વલણને કારણે ૨૦૦ શ્રમીકોની  જઠારાઅગ્નિ ઠારવામાં પોલીસ નિમિત બની.

અત્રે યાદ રહે કે સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કમિશ્નર, જોઇન્ટ કમિશ્નર, વિવિધ ઝોનના ડીસીપીઓ અને એસીપીઓ તથા અન્ય સ્ટાફ જરૂરીયાતમંદ લોકોને જાતે જઇ ભોજન પીરસે છે. જેની રાષ્ટ્રીય ચેનલોએ પણ નોંધ લેવા સાથે લોકોએ પણ આવકારી છે.

(12:26 pm IST)