Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વૈમનસ્ય ફેલાવતી પોસ્ટો મુકનાર દોઢ ડઝન લોકોના ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ : એક ડઝન એકાઉન્ટની તપાસો ચાલી રહી છેઃ આશિષ ભાટીયાનો સપાટો

રાજકોટઃ કોરોના વાયરસના ચેપ સાથે અફવાનોઓ ચેપ પણ જાણે દિવસેને દિવસે વધતો હોય તેમ બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાઇ તેવી પોસ્ટો ફેસબુક પર મુકનારા ૩૦ લોકોની ફેસબુક ચકાસણીમાં ૧૮ લોકોના ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધાનું પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે બીજા એક ડઝન એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન વૈમનસ્ય ફેલાઇ તેવી અને લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટો  મુકાઇ હશે તો આકરા પગલા લેવામાં આવશે.

દરમિયાન અમદાવાદમાં વધતા જતા કોરોના વાયરસના પોઝીટીવ કેસોને ધ્યાને લઇ ૧૪ વિસ્તારો કલસ્ટર કોરોન્ટાઇન જાહેર કર્યા છે. તે સ્થળ પર સ્થાનીક પોલીસની સાથે અર્ધ લશ્કરી દળોના ધાડાઓ પણ ખડકી દેવામાં આવ્યા છે. લોકડાઉન તથા કલસ્ટર  કોરોન્ટાઇન વિસ્તારની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવા માટે પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા અમદાવાદના મ્યુનિસીપલ કમિશ્નર સાથે સંબંધક વિસ્તારમાં પહોંચી જાત નિરિક્ષણ કરવા સાથે તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. પોલીસ સ્ટાફના આરોગ્યની પણ તકેદારી રાખી તેમની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

આશિષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે બેંકોમાં જન ધન યોજના અંતર્ગત વિતરણ ચાલી રહયું છે તેવા સંજોગોમાં લોકો બીન જરૂરી ભીડ ન કરે અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે માટે પોલીસની બેંકો બહાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્રે યાદ રહે કે બેંકોમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેની જવાબદારી બેંક મેનેજરોની રહેશે તેવો આદેશ આ અગાઉ બહાર પડયો જ છે.

(12:26 pm IST)