Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગુજરાતભરની પોલીસને ધંધે લગાડનાર કોઇ યુવાન નહિ, પ૩ વર્ષના પ્રૌઢ નિકળ્યા

થુંકીને જેહાદ ફેલાવવાનું કાવત્રુ હોવાની વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ મુકનાર અંતે પોલીસના પંજામાં : સિવિલ ઇજનેરનો ડિપ્લોમાં ધરાવતા વડોદરાના રાજેશ સારંગે એડીશ્નલ પોલીસ કમિશ્નરની પોસ્ટમાં પણ છેડછાડ કરેલીઃ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલા-પીઆઇ વી.બી.બારડ ટીમને અંતે સફળતા

રાજકોટ, તા., ૧૦: હિન્દુ વિસ્તારમાં  થુંકી થુંકીને કોરોના વાયરસ ફેલાવવાનું કાવત્રુ દિલ્હીમાં નક્કી થયા મુજબ ચોક્કસ કોમના લોકો કે જેઓ શાકભાજીની લારી તથા ફ્રુટની લારીઓ દ્વારા જેહાદ કૃત્યુ કરવાના મતલબની 'જનહિત' માં જારી શિર્ષક હેઠળ વોટસએપ ગૃપમાં મોટે પાયે શેર કરી અને આવા શકમંદ ઇસમો અંગે ૧૦૦ નંબર પર ડાયલ કરી પોલીસની મદદ લેવી તેવી વોટસએપ પોસ્ટો રાજયભરમાં ફેલાવી સમગ્ર ગુજરાત પોલીસને ધંધે લગાડનાર શખ્સને અંતે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમના ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલા અને સાયબર ક્રાઇમના પીઆઇ વી.બી.બારડે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ખોટી અફવા ફેલાવી કોમી તનાવ પેદા કરવાનું કૃત્યુ કરનાર આ શખ્સ વડોદરાનો છે. જેનું નામ રાજેશભાઇ  ચીમનલાલ સારંગ છે. પ૩ વર્ષની ઉંમરના આ પ્રૌઢ ડિપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે અને ઘરે બેસી કોમ્પ્યુટર રીપેરીંગનું કામકાજ કરે છે.

નવાઇની વાત એ છે કે આજ પ્રોફાઇલ ધારકે અમદાવાદ સ્પેશ્યલ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર દ્વારા મુકાયેલી પોસ્ટમાં છેડછાડ કરી ચોક્કસ કોમના લોકો પાસેથી ખરીદી ન કરવી તેવા પ્રકારનું લખાણ પણ કર્યુ હતું. આમ વૈમનસ્ય ફેલાય તેવા કૃત્યુ બદલ તાત્કાલીક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા, ક્રાઇમ બ્રાન્ચના સ્પે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે.એમ.યાદવના માર્ગદર્શન હેઠળ રાજય વ્યાપી તપાસ રંગ લાવી હતી. પીએસઆઇ  એચ.એન.પ્રજાપતીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સહીતની વિવિધ કલમો લગાડી છે.

(12:25 pm IST)