Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

કપડવંજના દાસલવાડમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે હાથાપાઈ

કપડવંજ: તાલુકાના દાસલવાડામાં બેસણામાં જવા મુદ્દે બે પટેલ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મહિલાનું ગળુ દબાવવા પ્રયાસ કર્યાની આંતરસુંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના દાસલવાડામાં નવનીતભાઈ ચીમનભાઈ પટેલ અને અજીતભાઈ ખોડાભાઈ પટેલના પરિવારો રહે છે. ગઈકાલે અજીતભાઈ પટેલ નવનીતભાઈ પટેલને સંબંધીના બેસણામાં જવાનું કહેવા ગયા હતા ત્યારે નવનીતભાઈએ અમારે બેસણામાં નથી આવવું તેમ જણાવ્યું હતું. બાદમાં ઘરે જઈ પરિવારજનો સાથે બેસણામાં જવા મુદ્દે વાતચીત કરતા હતાં. જેની જાણ થતા અજીતભાઈ પટેલે તેમના ઘરે જઈ નવનીતભાઈને ગમે તેમ ગાળો બોલી તું મોટો દાદો થઈ ગયો છે તે બેસણામાં આવવાની ના પાડે છે કહી હાથ કાંડામાંથી પકડી મચકોડી નાખી ફ્રેક્ચર કર્યું હતું. જ્યારે મનુભાઈ ખોડાભાઈ તથા ખોડાભાઈ નાથાભાઈ પટેલે નવનીતભાઈને ગડદાપાટુ માર માર્યો હતો તેમજ રંજનબેનને ઘોલ ઝાપોટ કરી ગળું દબાવવાની કોશિશ કરી હતી.

બનાવ અંગે નવનીતભાઈ ચીમનભાઈ પટેલની ફરિયાદ આધારે આંતરસુબા પોલીસે અજીતભાઈ ખોડાભાઈ પટેલ, ચિંતન અજીતભાઈ, મનુભાઈ ખોડાભાઈ તેમજ ખોડાભાઈ નાથાભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:49 pm IST)