Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ખંજવાળ ઉપડે તેવો પદાર્થ લગાવીને જજની ટીખળ કરનાર રજીસ્‍ટ્રાર કમ નાઝર સામે ફરિયાદ

વિજયનગરઃ વિજયનગર પ્રિન્સિપાલ સિવિલ જજની ખુરશીમાં કોર્ટના જ રજીસ્ટાર કમ નાઝરે ખુજલી પેદા કરે તે પ્રકારે કુવેચ લગાવતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ન્યાયાલયના ઈતિહાસની ગંભીર ઘટના અને તેમાં આરોપી ખુદ કોર્ટનો રજીસ્ટ્રાર કમ નાઝર હોવાના કારણે સમગ્ર જિલ્લાના કોર્ટ સંકુલોમાં સનસનાટી મચી ગઈ છે.

સરકાર, તેના નેતાઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓના કાન આંબળી નાખવાની જેની તાકાત છે તેવા ન્યાયાલયના કારણે પ્રજાને વહેલો મોંડો ન્યાય મળતો હોય છે. પરંતુ કોર્ટના જ કર્મચારીની હરકતથી જજને પોલીસ સ્ટેશને જવું પડે તેવી ગંભીર વિગત પ્રકાશમાં આવી છે.

વિજયનગર કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ સલીમબાદશા ઈકબાલભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.૯ના રોજ સવારે તેઓ કોર્ટમાં આવ્યા ત્યારે રજીસ્ટ્રાર કમ નાઝર વરસાદભાઈએ રાજ્ય સેવક એવા જજને પોતાની ફરજ બજાવતા અટકાવવા તેમજ વ્યથા પહોંચાડવાના ઈરાદાથી જજને બેસવાની ખુરશી ઉપર કુવેચ કે અન્ય ખુજલી પેદા કરતો પદાર્થ લગાડયો હોવાનું જણાઈ આવતાં સમગ્ર કોર્ટ સંકુલમાં હલચલ મચી ગઈ હતી. આખરે આ મામલે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફર્સ્ટ ગુના રજી.નં.ર૬/ર૦૧૮ ઈ.પી.કો. કલમ-૩૩ર, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:26 pm IST)