Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

અમદાવાદમાં ગૃહમંત્રીના મત વિસ્‍તારના લતાવાસીઓ દ્વારા રેલીઃ અસામાજિક તત્વો સામે ભભૂકતો રોષ

અમદાવાદઃ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અસામાજિક તત્વો દ્વારા ભારે ત્રાસ આપવામાં આવતા લતાવાસીઓઅે આક્રોશભેર રેલી કાઢીને રોષ વ્‍યક્ત કર્યો હતો.

કૈલાશ પાર્ક સોસાયટીથી રેલી શરૂ થઇ હતી જે રબારી કોલોનીથી સીટીએમ ક્રોસવર્ડ થઇને વન્ડર પોઇન્ટ પર રેલીનો અંત આવ્યો હતો. સોશિયલ વર્કર જયેશ મુંઢાવાની આગેવાનીમા આ રેલી કાઢવામા આવી હતી, જેમણે કહ્યું કે અસામાજિક તત્વો સામે પોલીસ પગલાં ભરવામા નિષ્ફળ જશે તો અમે રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના ઘર સુધી આનાથી પણ મોટી રેલી કાઢીશુ.

કૈલાશ પાર્ક, યોગેશ્વર પાર્ક, સોપન અપાર્ટમેન્ટ, ગાયત્રી પાર્ક, યશ વિજય સ્ટેટમેન્ટ, અમિ કુંજ, મેહુલ પાર્ક અને પાર્થ અપાર્ટમેન્ટ્સના રહીસોએ પ્રદિપ સિંહ જાડેજાના મતવિસ્તારમાં જ અસામાજિક તત્વોના ત્રાસ વિરુદ્ધ રેલી કાઢી હતી.

રેલીને પગલે આંદોલનકારીઓ સાથે વાત કરવા માટે ડીસીપી હિમકર સિંઘ દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશને આવવાની અપીલ કરી હતી. જો કે આંદોલનકારીઓમાના એક શૈલેષ પ્રજાપતિએ પોલીસ સ્ટેશને જવાની ના પાડીને કહ્યું કે અગાઉ અમે કરેલા કેટલાંક પ્રદર્શનોની પણ અવગણના કરવામાં આવી હતી.

મુંઢાવાએ કહ્યું કે, સ્થાનિક પોલીસ દ્વારા અહીના સ્થાનિકોની ફરિયાદના પગલે કોઇ કાર્યવાહી ન થતાં આ વિસ્તારના ગુંડાઓનો ત્રાસ વધી ગયો હતો. જેને પગલે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. રવિવારે કુલ આઠ કોલોનીના અંદાજીત 700 જેટલા રહેવાસીઓએ રેલી કાઢી હતી અને જો આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો પ્રદિપ સિંહ જાડેજાના ઘર સુધી રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારી છે.

(6:39 pm IST)