Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

અમદાવાદ સહિત રાજ્યભરમાં રિક્ષાનું મિનિમમ ભાડામાં ૨૦ ટકાનો વધારોઃ મિનિમમ ભાડુ ૧૨થી વધારીને ૧પ રૂપિયા કરાયું

ગાંધીનગરઃ અમદાવાદ સહિત રાજ્યમાં રિક્ષાના મિનિમમ ભાડામાં ૨૦ ટકાનો વધારો થયો છે. રિક્ષાનું મિનિમમ ભાડુ ૧૨થી વધારીને ૧પ રૂપિયા કરાયું છે. જેને રાજ્ય સરકારે મંજૂરી પણ આપી દીધી છે.

અત્યાર સુધી પહેલા મિનિમમ ભાડા બાદ પ્રત્યેક કિલોમીટર માટે આઠ રુપિયા ભાડું લેવાતું હતું, જેને વધારીને હવે 10 રુપિયા કરી દેવાયું છે. આ વધારા સાથે જ, હવે તમારે એરપોર્ટથી બોપલ એટલે કે અમદાવાદના એક છેડાથી બીજા છેડે આવવું હશે તો 60 રુપિયા વધારે ચૂકવવા પડશે. જ્યારે સેટેલાઈટથી રેલવે સ્ટેશને જવા માટે 25 રુપિયા વધુ ચૂકવવા પડશે.

રિક્ષાના ભાડામાં થયેલા આ ભાવવધારાને જોકે અમદાવાદીઓ અયોગ્ય ગણાવી રહ્યા છે. શહેરીજનોનું કહેવું છે કે, રિક્ષાચાલકો ભાડાપત્રક અનુસાર ભાડું લેવાને બદલે ઘણીવાર વધારે ભાડું માગે છે. હાલ પણ તેઓ મિનિમમ ભાડું 20 રુપિયા જ લે છે. તેમાંય સીએનજી રિક્ષા ચલાવવાનો તો ખર્ચ પણ ઘણો ઓછો આવે છે. તેવામાં ભાડામાં વધારો કરવાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થશે.

બીજી તરફ, રિક્ષાચાલક અસોસિએશન આ ભાડાંવધારાને યોગ્ય ગણાવી રહ્યું છે. ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ડ્રાઈવર એક્શન કમિટિના સેક્રેટરી રાજવીર ઉપાધ્યાયનું કહેવું છે કે, સરકારે સીએનજીના ભાવ ફિક્સ કરવા જોઈએ, જેથી તેમાં કોઈ વધારો થાય તો તેનો બોજ સામાન્ય લોકો પર ન પડે. તેમણે તાજેતરમાં થયેલો ભાડાંમાં વધારો પુરતો ન હોવાનું પણ કહ્યું હતું.

રિક્ષાચાલકોનું કહેવું છે કે, સીએનજીના ભાવોમાં અવારનવાર વધારો થયા બાદ તેઓ ભાડાંમાં વધારાની લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. જોકે, સરકાર તેમાં વિલંબ કરી રહી હતી. છેલ્લા 4 વર્ષથી ભાડાંમાં કોઈ વધારો નથી થયો. આ વખતે પણ મિનિમમ ભાડામાં માત્ર 3 રુપિયાનો વધારો કરાયો છે, અને લગેત જેમ વેઈટિંગ ચાર્જ યથાવત જ રખાયા છે.

(6:37 pm IST)