Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

કચ્છના નાના રણમાં ગરીબ અગરીયાઓની રણ-શાળાઓ બંધ કરી દેવાતા ભારે રોષઃ ગુણોત્સવનું બીજુ પાસુ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ યોજીને શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવવા તથા બાળકો શિક્ષણમાં વધુ ને વધુ આગળ આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કચ્છના નાના રણમાં અગરિયાઓના બાળકો માટે કાર્યરત રણ-શાળાઓ બંધ કરી દેવાતા ભારે રોષ વ્‍યાપી ગયો છે.

હજુ બે દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ઘાટ એવો ઘડાયો છે કે, શાળાઓમાં બાળકોને મળતા શિક્ષણની ગુણવત્તા તો ઠીક, અહીંયા તો શિક્ષણ જ મળતું બંધ થઇ ગયું છે. અગરિયાએ દર વર્ષના નવેમ્બર મહિનાનાં કચ્છના નાના રણમાં મીઠું પકવવા માટે પરિવાર સહિત જાય છે અને એપ્રિલ મહિનાના અંત સુંધી રણમાં રહે છે. આ સમયે અગરિયાના બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે સરકાર દ્વારા રણ શાળાઓની જોગવાઇ કરવામાં આવી.

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના રણ કાંઠે પણ નવ જેટલી રણ શાળાઓ શરૂ કરવામાં આવી પણ આ બાળકોનું શૈક્ષેણિક સત્ર પુરુ થાય એ પહેલા જ આ શાળાઓ બંધ કરી દેવામાં આવી. અગરિયાઓના હિત માટે લડતા અગરિયા હિતરક્ષક મંચના હરીણેશ પંડ્યાએ જણાવ્યું કે, "સાંતલપુર તાલુકાનાં કાંઠે આવેલા રણની અંદર નવ જેટલી રણ શાળાઓમાં અંદાજિત 210 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા. પણ અચાનક જ, શિક્ષણ વિભાગ દ્વારા 31 માર્ચના રોજ, આ તમામ રણ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. રણ શાળાઓ બંધ કરવા પાછળ એવું કારણ આપવામાં આવી રહ્યુ છે કે, તેમની પાસે માર્ચ મહિના પછીનું ફંડ નથી. આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણ એ મફત અને ફરજિયાત છે. સરકાર એની ફરજમાંથી છટકી શકે નહીં."

પંડ્યાએ વધુમાં જણાવ્યું કે, "રણ-શાળાઓ બંધ કરી અને બાળકોને તેમના શિક્ષણનાં હકથી વંચિત રાખવા એ સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાનો અનાદર છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપેલી છે કે, રણમાં રહેતા અગરિયાઓના બાળકો માટે શિક્ષણની પુરતી સુવિધા પુરુ પાડશે.''

નારુભાઇ કોળી નામના અગરિયાએ જણાવ્યું કે, "આ વર્ષે સરકાર દ્વારા બાળકોને મધ્યાન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અને હવે રણ શાળાઓ જ બંધ કરી દીધી છે. મારા ચાર બાળકો આ રણ-શાળામાં ભણવા જતા હતા પણ હવે તે જતા નથી. કેમ કે, આ શાળાઓ બંધ થઇ ગઇ છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કાંઇ માહિતી આપવામાં આવી નથી. અમને એ પણ ખબર નથી કે, હવે આ બાળકો તેમની વાર્ષિક પરીક્ષા ક્યાં અને કેવી રીતે આપશે. સરકારની બેધારી નિતીને કારણે તેમનું વર્ષ પણ બગડશે. અગરિયાઓ કાળી મજુરી કરી મીઠું પકવે છે. રણ શાળાઓમાં જો મધ્યાન ભોજન આપવામાં આવે તો બાળકો પણ એ લાલચથી ભણવા જાય અને કંઇક શીખે. પણ એવું લાગે છે કે, સરકારને અગરિયાઓ માટે કોઇ જ સંવેદના નથી."

અગરિયાઓ માટે લડતા પંક્તિ જોગે જણાવ્યું કે, "તેઓ આજે પાટણ જીલ્લાના શિક્ષણ અધિકારીને મળીને આ બાબતે વિગતો મેળવશે અને રજૂઆત કરશે. પંકિત જોગે વધુમાં ઉમેર્યુ કે, સરકાર જો પ્રાથમિક શિક્ષણ વિશે ખરેખર ગંભીર હોય, તો અધિકારીઓની વિશેષ ટીમો રણમાં મોકલવી જોઇએ અને ગુણોત્સવ મનાવવો જોઇએ. આશ્ચર્યની વાત તો એ છે કે, શાળાઓ નાણાકીય વર્ષ પ્રમાણે નહીં પણ શૈક્ષેણિક વર્ષ પ્રમાણે ચલાવવાની હોય છે. બીજુ કે, રણમાં જ આવેલી અન્ય રણશાળાઓ દ્વારા રણમાં જ બાળકોની પરીક્ષા લેવામાં આવે છે. તો પછી પાટણી જીલ્લામાં રણ-શાળાઓ કેમ બંધ કરવામાં આવી એ વાત સમજાતી નથી."

દેશના અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની કેમ દયનિય હાલત છે એ બાબત ઉપરની વાત પરથી ફલિત થશે. 2014ની સાલમાં મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે, પ્રાથમિક શિક્ષણ પુરુ પાડવાની બાબતમાં, કુલ 35 રાજ્યોમાં ગુજરાતનો ક્રમ તળીયે, એટલે કે 33મો છે. જે રાજ્યમાં નરેન્દ્ર મોદી સતત તેર વર્ષ સુંધી મુખ્યમંત્રી રહ્યા એ "મોડેલ રાજ્ય"માં પ્રામથિક શિક્ષણની કોફડી સ્થિતિ છે.

(6:33 pm IST)