Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

શિક્ષક સાથે ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં શાહીબાગનો યુવક ઝડપાયો

ધોળકાના શિક્ષક સાથે ક્રેડિટ કાર્ડની છેતરપિંડી : છેતરપિંડી થયા બાદ અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમની ટીમે ગણતરીના દિવસોમાં આરોપીને પકડી પાડ્યો હતો

અમદાવાદ,તા.૧૦ : ધોળકાના શિક્ષક સાથે ક્રેડિટ કાર્ડની છેતરપિંડી થયા બાદ અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમની ટીમે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. શાહીબાગમાં રહેતા આરોપીએ શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. અન્ય ચાર  લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાનું સામે આવતા પાંચ કેસ કરવામાં આવ્યા છે. આરોપીએ શ્ ૮.૫૩ લાખની ઠગાઈ કરી હતી. ધોળકામાં રહેતા શિક્ષક બચુભાઈ ગોહેલે અમદાવાદ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફ્રોડ અંગેની અરજી આપી હતી. તેમની સાથે કોઈએ ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. સી.વી.નાયક તથા તેમની ટીમે આરોપી મિલીન ચોક્સી (રહે. શાહીબાગ)ને પકડી પાડ્યો હતો. 

  તેની પૂછપરછ કરતા પાંચ ગુના આરોપીએ કર્યા હોવાની કબૂલાત કરી હતી. ધોળકાના શિક્ષક ઉપરાંત અન્ય ચાર સાથે પણ છેતરપિંડી કરી હતી. આ પાંચ કેસમાં આરોપીએ કુલ શ્ ૮.૫૩ લાખનું ફ્રોડ કર્યું હતું. ગૂગલ સર્ચ દ્વારા બેક્નના નંબર સર્ચ કરતા ફ્રોડ નંબર મળતા થયેલા ફ્રોડના બનાવો, બેંકના અધિકારીના નામે ફોન કરી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વેરિફાય કરવાના બહાને છેતરપિંડી, ફીશિંગ લિંક દ્વારા થતી છેતરપિંડી, મની રિક્વેસ્ટ દ્વારા છેતરપિંડી, લોટરી લાગવાના બહાને છેતરપિંડી જેવી જુદીજુદી રીતે લોકોને છેતરવામાં આવતા હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમ દ્વારા લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી. આ ઉપરાંત આવો બનાવ બને ત્યારે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવા માટે પણ જણાવાયું છે.

(9:14 pm IST)