Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવોમાં ત્રણ શખ્સોના કમકમાટીભર્યા મોત

વડોદરા:શહેર જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વડોદરા શહેરના સયાજી પુરા ગામમાં રહેતા અબ્દુલ સત્તાર સલાટ ચોથી ફેબ્રુઆરી ના રોજ મિત્રની ઇકો કાર લઇ પરિવાર સાથે રાજસ્થાન  લગ્નમાં ગયા હતા આઠમી ફેબ્રુઆરી ના રોજ તેઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન આજવા રોડ પર આવેલા રવાલ ગામ ની સીમમાં સામેથી આવતી ભરત ભરેલા ટ્રેકટર સાથે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કારચાલકની બહેન રીઝવાના, બનેવી સબ્બીર અલી સલાટ અને દીકરો અલમસ સલાટને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં 35 વર્ષીય  રીઝવાના બહેનનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેકટરચાલક ટ્રોલી સાથે નાસી છૂટયો હતો.

બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને  સિકયુરિટીમાં નોકરી કરતા 38 વર્ષીય વેદપ્રકાશ ચતુર્વેદી મિત્ર અજીતસિંગ રાજપૂત સાથે પોર ખાતે રહેતા સંબંધી અનિલસિંગ રાજપૂતના ઘરે આવ્યા હતા. દરમિયાન 08મી ફેબ્રુઆરી ના રોજ ત્રણેવ વ્યક્તિ પોર થી વાપી નોકરી જવા માટે નીકળ્યા હતા અને વડોદરા થી સુરત જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર બસની રાહ જોઇને ઊભા હતા દરમિયાન તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા ટ્રક ચાલકે 38 વર્ષીય વૈદ પ્રકાશ ચતુર્વેદીને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટયો હતો ગંભીર રીતે ઘવાયેલા વૈદપ્રકાશનું મોત થયું હતું.

જ્યારે અન્ય એક બનાવમાં મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ગોવર્ધનભાઈ યાદવ ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓ પોતાના દીકરાને ફર્નિચરના ઓજારો આપવા માટે પોતાનું બાઇક લઇને નીકળ્યા હતા તે સમયે દુમાડ ચોકડી ખાતે મીની બસે બાઈકચાલક ગોરધન ભાઈ ને અડફેટે લીધા હતા અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જનાર બસ ચાલક એજાજ શેખ ( રહે-કર્ણાટક) ને પોલીસે ઝડપી પાડ્યો હતો.

(5:15 pm IST)