Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાની કબૂલાતઃ યોગ્ય ઉમેદવારને ટિકિટ મળી નહીં

અમદાવાદ મહાનગરપાલિકામાં ટિકિટની વહેંચણીને લઇને કોંગ્રેસમાં ભડકો

અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે કુલ ૧ હજાર ૭૦૪ ઉમેદવારી ફોર્મ ભરાયા. ફોર્મ ભરાયાની સાથે જ કોંગ્રેસમાં ટિકિટ વહેચણીને લઈને રાજકારણ ગરમાયું છે. ખુદ કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ એ વાતની કબૂલાત કરી છેકે, ઉમેદવારોની પસંદગી માટેના નિયમોનો અમલ થઇ શક્યો નથી.

એટલું જ નહીં, તેમણે કાર્યકરોને પત્ર લખીને એવો અફસોસ વ્યકત કર્યો છેકે, યોગ્ય અને કાબિલ કાર્યકરોને ટિકિટ અપાવી શક્યો નથી તેનુ દુઃખ છે. નવાઇની વાત તો એછેકે, ૨૦ વોર્ડની પેનલમાં ઉમેદવારો રાતોરાત બદલાઇ ગયા હતાં.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષના વફાદાર-પાયાના કાર્યકર, પ્રજાલક્ષી કામો કરનારાં અને સ્વચ્છ પ્રતિભા ધરાવનારાને ટિકિટ અપાશે તેવી પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ મોટાઉપાડે વાતો કરી હતી પણ આ બધુય માત્ર કાગળ પર રહ્યુ હતુ.

સ્થાનિક કક્ષાએથી આવેલાં નામોની પેનલ બનાવાઇ હોવા છતાંય પ્રદેશ નેતાઓએ મળતિયાઓને ટિકિટો આપી દીધી હતી તેવો કાર્યકરો આરોપ મૂકી રહ્યાં છે. ખુદ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને અમદાવાદ શહેર ઇન્ચાર્જ દિપક બાબરિયાને ય કડવો અનુભવ થયો છે . તેમણે કાર્યકરોને સંબોધીને પત્ર લખ્યો છેકે, ઉમેદવારોની પસંદગી કરવા ગાઇડલાઇન નક્કી કરાઇ હતી.

સ્થાનિક કક્ષાએથી જે નામો આવશે તે પૈકી પેનલ પસંદ કરાશે. ઉમેદવાર પસંદગી માટેની આ પ્રણાલીને લીધે કાર્યકરોમાં ઉત્સાહ હતો પણ કમનસીબે તે મુજબ થઇ શક્યુ નહીં પરિણામે કાબિલ ઉમેદવારોને ટિકિટ મળી શકી નહી. આ બદલ બાબરિયાએ દિલગીરી વ્યકત કરી હતી.ભલામણ કરનાર કમિટી તરીકે પણ અમે યોગ્ય ઉમેદવાર આપી શક્યાં નહી.

જોકે, કોંગ્રેસમાં નિયમોને નેવે મૂકીને ઉમેદવારોની પસંદ કરાતાં કકળાટ મચ્યો છે ત્યારે સમગ્ર વાસ્તવિક હકીકતથી હાઇકમાન્ડને વાકેફ કરશે. નિરીક્ષકોએ નક્કી કરેલી પેનલના ઉમેદવારો પણ પ્રદેશ નેતા, ધારાસભ્યો, શહેર પ્રમુખના દબાણથી રાતોરાત બદલાઇ ગયાં હતાં. પ્રદેશ નેતાના આ પત્રથી કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.

(3:20 pm IST)