Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

નિયત ગાઇડલાઇન મુજબ ટિકીટ નથી અપાઇ !

કોંગ્રેસના મોટા લોકોએ પોતાના માણસોને ટિકીટો આપવા દબાણ કર્યું : રાતોરાત નામ ફેરવાયા

રાજકોટ તા. ૧૦ : રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હાલાં દવલાની નીતિ અપનાવી ટિકીટ આપી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ત્યારે હવે ખુદ કોંગ્રેસના જ નિરીક્ષક દિપક બાબરીયાએ નક્કી કરેલી ગાઇડલાઇન મુજબ ઉમેદવારોને ટિકીટ ન અપાઇ હોવાનું સ્વીકારતા કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. અમદાવાદમાં નિરીક્ષકોએ તૈયાર કરેલી પેનલો રાતોરાત બદલાઇ હોવાનો તેમજ ૨૦ પેનલોમાં ઉમેદવારો બદલાયા હોવાનો આક્ષેપ થયો છે.

આ મામલે દિપક બાબરીયાએ કાર્યકર્તાઓને સંબોધીને પત્ર લખ્યો છે કે, જેમાં તેમણે યોગ્ય અને સક્ષમ ઉમેદવારોને ટિકીટ ન અપાવી શકવા બદલ અફસોસ વ્યકત કર્યો છે. સાથે જ તેમણે કાર્યકરોની આશા અને અપેક્ષાઓ પૂર્ણ ન કરવા બદલ દિલગીરી વ્યકત કરી છે. 'દરેક ૨૫ બુથ દીઠ એક ઉમેદવાર નક્કી કરાયા હતાં. બે વખત હારેલા તેમજ અન્ય પક્ષમાંથી આવેલાઓને ટિકીટ આપવામાં નહીં આવે તેવું પણ નક્કી કરાયું હતું. પરંતુ નક્કી કરેલા ધોરણો મુજબ કોંગ્રેસના ઉમેદવાર પસંદ ન થયા. કોંગ્રેસના મોટા આગેવાનોએ તેમના માણસોને ટિકીટ આપવા દબાણ કર્યું. આથી નિરીક્ષકોએ આપેલા નામો રાતોરાત પ્રદેશ નેતાઓએ બદલી નાંખ્યા. પરિણામે ભલામણ કરનાર કમિટી તરીકે અમે યોગ્ય ઉમેદવાર ન આપી શકયાં.'

જો કે દિપક બાબરીયાએ ઉમેદવારીપત્ર ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કેમ પત્ર લખ્યો તે સવાલ ઉઠી રહ્યો છે. જો યોગ્ય ઉમેદવારોને ટિકીટ ન અપાઇ હોય તો તેઓ જયારે તેમને ટિકીટ અપાઇ ત્યારે જ કેમ કોઇ પ્રકારનો વિરોધ ન નોંધાવ્યો.

(11:41 am IST)