Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદ મનપામાં કામ કરતા સફાઇ કામદારોને રસી લેવા દબાણ :કામ નહીં કરવા દેવાની અને મેડીકલ એલાઉન્સ કાપવા પણ ધમકી

આઉટસોર્સિંગમાં કામ કરતા સફાઈ કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી

અમદાવાદ : દેશભરમાં 16 જાન્યુઆરીના રોજથી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ ફેઝમાં ફ્રન્ટલાઇ હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવી હતી, જ્યારે હવે બીજા તબક્કાની કામગીરી શરૂ થઇ ગઇ છે. બીજા ફેઝમાં કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી શરૂ થઇ છે. રસી લેવી મરજિયાત છે એમ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે, છતાંય કેટલીક જગ્યાએથી કોરોના વોરિયર્સને કોરોના રસી લેવા દબાણ કરવામાં આવી રહ્યા હોવાનું સાંભળવા મળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા સફાઇ કામદારોને રસી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કર્ણાવતી મહાનગર પાલિકા મજદૂર સંઘના પ્રમુખે કર્યા છે.

કોરોનાના કપરા કાળમાં કોરોના વોરિયર તરીકે કામ કરનાર સફાઈ કામદારોને રસી લેવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કોરોના રસીને મરજિયાત કરવામાં આવી છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઇ કામદારોને રસી નહીં લે તો કામ નહીં કરવા દેવાની તેમજ મેડીકલ એલાઉન્સ કાપવા સુધીની ધમકી આપવામાં આવી છે. આઉટસોર્સિંગમાં કામ કરતા સફાઈ કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી છે

   કર્ણાવતી મહાનગર  પાલિકા મજદૂર સંઘના પ્રમુખ જગદીશ સોલંકીએ જણાવ્યું કે સફાઈ કામદારોને રસી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા રસીનો લક્ષ્ય પૂરો કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. રસી લેવા મટે પ્રોત્સાહિત કરવાનો બદલે અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે કર્મચારીઓ ભયની લાગણી અનુભવી રહ્યા છે

આ ઉપરાંત જગદીશ સોલંકીએ જણાવ્યું છે કે ઉત્તરના બગીચા ખાતા દ્વારા ત્યાં કામ કરતા મજૂરોને પણ એવી ધમકી આપવામાં આવી છે કે જો તેઓ રસી નહીં લે તો તેમને માસ્ટરમાં સહી કરવા દેવામાં આવશે નહીં. આમ દ્વારા કર્મચારીઓના પગાર કાપવા ની ધમકી આપવામાં આવી રહી છે

(11:54 pm IST)